ભારતમાં છોકરીઓની લગ્નની વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો પણ તેને કાયદો બનાવવાના બદલે વધુ અભ્યાસ માટે પાર્લામેન્ટરી પેનલને સોંપવાનો નિર્ણય લીધો તેના પગલે આ મુદ્દો ચર્ચામાં છે. મોદી સરકારે લોકસભામાં આ ખરડો પસાર પણ કરી દીધેલો ને રાજ્યસભામાં ખરડો રજૂ પણ કરી દીધેલો. મોદી સરકારનાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં પણ ખરડો રજૂ કરી દીધો હતો પણ પછી ગમે તે કારણોસર છેલ્લી ઘડીએ ખરડો પાર્લામેન્ટરી પેનલને સોંપવાનો નિર્ણય લેવાયો.
પાર્લામેન્ટરી પેનલ આ ખરડાને લગતી જોગવાઈઓનો અભ્યાસ કરીને તેમાં સુધારા સૂચવશે. આ સુધારાના આધારે નવો ખરડો બનશે. હવે સુધારા થયા પછી ખરડાને કેબિનેટની મંજૂરીથી લોકસભામાં પસાર કરવા સુધીની આખી પ્રક્રિયા નવેસરથી કરાશે. સંસદીય પેનલ ક્યાં સુધીમાં આ સુધારા સૂચવશે એ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પણ મોટા ભાગે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પતે પછી આ મુદ્દો હાથ ધરાય એવી શક્યતા છે.
ઉત્તર ભારતના હિન્દીભાષી પટ્ટાનાં ગામડાંમાં દીકરીઓને ભણાવવાના બદલે વહેલી પરણાવી દેવાની પરંપરા છે. કેટલીક જ્ઞાતિઓમાં તો સાવ નાની વયે જ દીકરીઓને પરણાવી દેવાય છે. ભાજપ માટે ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિવાદી સમીકરણો સૌથી વધારે છે. આ કારણે દીકરીઓને પરણાવી દેવાની વયમર્યાદા 21 વર્ષ કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં તેની વિપરીત અસર પડે તેવા ડરથી મોદી સરકારે છેલ્લી ઘડીએ પીછહેઠ કરી હોય એવી પ્રબળ શક્યતા છે.
મોદી સરકારે કોઈ નક્કર કારણ આપ્યું નથી પણ આ અટકળ છે. મોદી સરકારે કૃષિ કાયદા પસાર કર્યા તેના કારણે ખેડૂતો ભડક્યા હતા અને આંદોલન છેડી દીધેલું. ભડકેલા ખેડૂતોને મનાવવા માટે મોદી સરકારે કૃષિ કાયદા રદ કરવા પડ્યા. આમ છતાં ખેડૂતો માની ગયા છે ને યુપીમાં ભાજપને જ મત આપશે તેની ગેરંટી નથી. આ માહોલમાં ભાજપના વિરોધ માટે કોઈ નવું કારણ મળે નહીં એટલા માટે કેન્દ્ર સરકારે પીછેહઠ કરી હોય એવી શક્યતા છે.
આપણે આ કારણોની ચર્ચામાં નથી પડતા પણ છોકરીઓની લગ્નની વયમર્યાદા વધારવાનો મુદ્દો અત્યંત મહત્વનો છે. દેશની કરોડો દીકરીઓના ભાવિનો આ પ્રશ્ન છે તેથી છોકરીઓનાં લગ્નની વયમર્યાદા વધારાય તો તેના શું ફાયદા થાય અને શું ગેરફાયદા થાય તેની વાત કરવી જરૂરી છે.
//////////////////////////
મોદી સરકારે આ મુદ્દાને કુપોષણ સાથે જોડ્યો છે.
જયા જેટલીના અધ્યક્ષસ્થાને રચાયેલી ટાસ્ક ફોર્સે દીકરીઓની લગ્ન વયમર્યાદા વધારીને 21 વર્ષ કરવાની ભલામણ કરી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં એલાન કરેલું કે, ભારતમાં છોકરીઓની લગ્નની વય મર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જૂન 2010માં રચાયેલી ટાસ્ક ફોર્સની રચના સગર્ભાવસ્થા એટલે કે પ્રેગનન્સી દરમિયાન થતાં માતા તથા નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ કઈ રીતે ઘટાડવું એ માટેનાં સૂચનો કરવા કરાયો હતો.
ટાસ્ક ફોર્સનું કહેવું હતું કે, નાની વયે દીકરીઓને પરણાવી દેવાય છે તેથી નાની વયે સગર્ભાવસ્થા આવી જાય છે. દીકરી પ્રેગનન્ટ તો થઈ જાય પણ તેનું શરીર સગર્ભાવસ્થાનો ભાર સહન કરવા સક્ષમ ના હોય તેથી મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. માતાના ગર્ભમા રહેલા બાળકને પણ પૂરતું પોષણ ના મળે તેથી નવજાત બાળકોમાં મૃત્યુ દર ઉંચો છે. આ બાળકો જીવી જાય તો પણ તંદુરસ્ત નથી હોતાં. આ તમામ સમસ્યાનો ઉકેલ એ છે કે, દીકરીઓને 18ના બદલે 21 વર્ષે પરણાવવામાં આવે.
આ દલીલ ખોટી નથી.
મોદી સરકારે આ દલીલ સ્વીકારી છે એ સારું છે પણ આ સિવાય બીજા પણ ફાયદા છે.
//////////////////////////
સૌથી મોટો ફાયદો એ છે કે, દીકરીઓમા શિક્ષણનું પ્રમાણ વધશે અને રોજગારીમાં મહિલાઓનું પ્રમાણ પણ વધશે.
અત્યારે 18 વર્ષની લગ્નની વયમર્યાદા છે છતાં ગ્રામીણ વિસ્તારોમાં બાળલગ્નો થાય છે પણ શહેરી વિસ્તારોમાં મોટા બાગે મા-બાપ દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી રાહ જુએ છે અને દીકરીને ભણાવે છે. હવે લગ્નની 21 વર્ષ વયમર્યાદા અમલી બનશે તેથી માતા-પિતા દીકરી લગ્ન કરવાની ઉતાવળ નહીં કરે. દીકરી 18 વર્ષની થાય કે તરત લગ્ન કરવાનું વલણ ઘટશે. દીકરી ત્રણ વર્ષ ઘરે બેસી રહે એવું પણ નહીં ઈચ્છે તેથી દીકરીને ભણાવશે. સામાન્ય રીતે 21 વર્ષની વયે ગ્રેજ્યુએશન પતી જાય છે તેથી ગ્રેજ્યુએઠ છોકરીઓનું પ્રમાણ વધશે.
ગ્રેજ્યુએશન પછી નાની-મોટી નોકરી પણ મળી જતી હોય છે તેથી દીકરી નોકરી કરતી થઈ જશે તો મા-બાપ લગ્નની ઉતાવળ નહીં કરે. ઘણી છોકરીઓ ભણવામાં સારી હોય પણ વહેલાં લગ્ન થઈ જાય તેથી મનને મારીને આગળ ના ભણે. ગ્રેજ્યુએશન પૂરું કરવાની તક મળે ને તેમાં સારો દેખાવ કરે તો એ છોકરીઓ આગળ પણ ભણી શકે. નોકરી કરતી કે આગળ ભણતી છોકરીઓનાં લગ્ન બેત્રણ વર્ષ પાઠળ ઠેલાઈ જતાં હોય છે તેથી લગ્નની વય 25 વર્ષ થઈ જાય એવું બને. તેના કારણે વહેલું માતૃત્વ નહીં આવે ને જે કુપષોણની સમસ્યાના કારણે માતા કે નવજાત બાળકોનાં મોતની ઘટનાઓ બને છે તે ના બને.
//////////////////////////
બીજો ફાયદો એ છે કે વસતી વધારાને અંકુશમાં લઈ શકાશે.
દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેથી લગ્ન મોડાં થાય ને માતૃત્વ મોડું આવે એ બાબત તો વસતી વધારાને રોકવામાં મદદ કરે જ પણ વધારે મદદ શિક્ષણનું પ્રમાણ વધે તેના કારણે વધતી સમજના કારમે મળશે. શિક્ષણ વધશે તેથી છોકરીઓ નોકરી કરતી થાય તેથી નાની વયે માતા બનવાનું તો ટળશે જ પણ એકથી વધારે બાળકો પેદા કરવાનું વલણ પણ ઘટશે. પતિ અને પત્નિ બંને નોકરી કરતાં હોય એવા કિસ્સામાં દંપતિ એકથી વધારે સંતાન નથી ઈચ્છતાં તેથી વસતી વધારાનું પ્રમાણ ઘટશે. શિક્ષિત માતા બાળકના ઉછેર, પોષણ સહિતની બાબતોમાં વધારે સજાગ હોય તેથી સરવાળે તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. બંનેની આવક સારી હોય તેથી પોષણ પણ સારું મળશે ને કુપોષણની સમસ્યાનો પણ ઉકેલ આવશે.
ત્રીજો ફાયદો એ છે કે, બાળલગ્નનું પ્રમાણ ઘટશે.
આપણે ત્યાં બાળ લગ્નને ગેરકાયદેસર માનતો કાયદો અમલમાં છે. આ કાયદા પ્રમાણે પુરૂષની વય 21 વર્ષથી ઓછી અને મહિલાની વય 18 વર્ષથી ઓછી હોય તો તેમને બાળક માનવામાં આવે છે અને કોઈ પણ એક પાત્રની વય કાનૂની વયમર્યાદાથી ઓછી હોય તો તેમનાં લગ્નને બાળ વિવાહ માનવામાં આવે છે. આ પ્રકારે થયેલાં બાળલગ્ન કરાવનારા કે પ્રેરિત કરનારાને પણ બે વર્ષની સજા કે એક લાખ રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે. સગીર વર-વધૂ, લગ્ન કરાવનાર ગોર વગેરેને બાળલગ્ન માટે દોષિત ગમીને સજા કરવાની જોગવાઈ આ કાયદામાં છે. જો કે કાનૂની રીતે પ્રતિબંધ હોવા છતાં કારણે બાળલગ્ન થાય જ છે ને તેને કોઈ રોકી શકતું નથી. બાળલગ્નોનું પ્રમાણ ગ્રામીણ વિસ્તારોમાં વધુ છે અને તેમને સંપૂર્ણપણ રોકવાં અશક્ય છે પણ તેમના પ્રમાણમાં ચોક્કસ ઘટાડો થઈ શકે.
//////////////////////////
આ કાયદાને કારણે નુકસાન શું ?
યોગ્ય ઉંમરે લગ્ન કરાય તેના કારણે સ્ત્રી અને પુરૂષ બંનેને ફાયદો થાય પણ કાનૂની રીતે ગૂંચવાડો પણ પેદા થશે. મુખ્ય ગૂંચવાડો પુખ્ત વયની વ્યાખ્યાના કારણે થશે. સુપ્રીમ કોર્ટે 2006માં ચુકાદો આપેલો કે, પુખ્ત મહિલા પોતાની પસંદગીની કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે કે પોતાની પસંદગીની કોઈ પણ વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે.
સવાલ એ આવશે કે, આ મહિલા માટે લગ્નની વય પુખ્તતાની 18 વર્ષની વય ગણાશે કે લગ્ન માટે નક્કી કરાયેલી 21 વર્ષની વયમર્યાદા માન્ય ગણાશે ? અત્યારે છોકરાઓની પુખ્તતાની વય અને લગ્નની વયના મુદ્દે આ વિસંગતતા છે જ. 19 વર્ષનો છોકરો બળાત્કારના ગુનામાં પુખ્ત ગણાય ને તેને સજા થાય પણ 19 વર્ષની ઉંમરે લગ્ન કરે તો એ બાળલગ્ન ગણાય. છોકરીઓના કિસ્સામાં માતૃત્વ સહિતના મુદ્દા હોવાથી વધારે ગૂંચવાડા થશે.
પાર્લામેન્ટરી બેનલ આ મુદ્દાનો ઉકેલ લાવશે એવી આશા છે.
બીજી એક સમસ્યા એ છે કે, વયમર્યાદામાં વધારો પણ તમામ દીકરીઓને લાગુ નહીં પડે.
અત્યારે હિંદુઓમાં થતાં લગ્ન માટે હિન્દુ મેરેજ એક્ટ, 1955ની કલમ 5(3), કોર્ટમાં થતાં લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અને બાળ વિવાહ નિષેધ એક્ટ, 2006 એમ ત્રણ કાયદામાં છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા 18 વર્ષ છે. આ કાયદા હિંદુઓને વધારે લાગુ પડે છે કેમ કે બીજાં ધર્મનાં લોકો માટે તો પોતપોતાના પર્સનલ લો છે. આ કાયદામાં છોકરીઓની લગ્નની વય અલગ નક્કી કરાયેલી છે. ડો. મનમોહનસિંહની સરકારે 2006માં બનાવેલો બાળલગ્ન પર પ્રતિબંધનો કાયદો તમામ ધર્મનાં લોકોને લાગુ પડવા મુદ્દે ગૂંચવાડો છે જ.
આ કાયદામાં પણ એવું જ થશે.
આ સમસ્યાનો ઉકેલ સમાન સિવિલ કોડ છે.