વિશ્વભરમાં કોરોના સંક્રમણ સામેની લડાઈ હજુ પણ ચાલી રહી છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૭,૫૮૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ આ સમયગાળા દરમિયાન કોરોનાથી સંક્રમિત ૩,૭૯૧ દર્દીઓ સાજો પણ થયા છે.
દેશમાં કોરોના મહામારી ફરી એકવાર માથું ઉંચકી રહી છે. શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં ૭૫૮૪ નવા સંક્રમિત મળી આવ્યા છે. આ દરમિયાન ૨૪ મૃત્યુએ પણ ચિંતા વધારી દીધી છે.છેલ્લા ૧૦ દિવસથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સંદર્ભમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સતર્ક રહેવા સૂચના આપી છે. ગુરુવારે દેશમાં ૭૨૪૦ દર્દીઓ મળી આવ્યા હતા, જેની સરખામણીએ શુક્રવારે વધુ ૩૪૪ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે, સક્રિય કેસ પણ ૩૭૬૯ વધીને કુલ ૩૬,૨૬૭ થઈ ગયા છે. ૨૪ મૃત્યુ સહિત, અત્યાર સુધીમાં કુલ મૃત્યુ ૫,૨૪,૭૪૭ થઈ ગયા છે.
ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું છે. ગુરુવારે પણ દેશમાં ૭ હજોરથી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ તરફથી દેશના તમામ રાજ્યોને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કોરોનાના નિયમોનું પાલન કરવા અને ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ગુરુવારે, કોરોનાના ૭૨૪૦ કેસમાંથી ૮૧ ટકા માત્ર ચાર રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં જોવા મળ્યા હતા.