તામિલનાડુના નીલગિરિમાં બુધવારે ભારતીય વાયુ સેનાનું MI-૧૭ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિતા રાવત સહિત કુલ ૧૪ લોકો મુસાફરી કરતાં હતાં. આ દુર્ઘટનામાં અત્યારસુધી ૧૧ લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના નીલગિરિ અને કોઈમ્બતોર વચ્ચે ઘટી છે.
એમઆઇ-૧૭-વી૫ હેલિકોપ્ટરને ભારતીય વાયુ સેનાનું સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર માનવામાં આવે છે. ભારતે રશિયા પાસેથી એમઆઇ-૧૭ હેલિકોપ્ટર ખરીદ્યાં છે. આ પહેલાં પણ એમઆઇનાં ઘણાં હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાની દુર્ઘટના બની છે. તો આવો, જાણીએ પાંચ વર્ષમાં દેશમાં ક્યાં ક્યાં દુર્ઘટનાના શિકાર થયાં છે
અરુણાચલ પ્રદેશ, ૧૮ નવેમ્બર ૨૦૨૧ગઈ ૧૮ નવેમ્બરે વાયુ સેનાનું આ હેલિકોપ્ટરમાં અરુણાચલ પ્રદેશમાં લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના ઘટી હતી, જાકે એમાં પાંચેય ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત રીતે બચી ગયા હતા અને તેમને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના એ સમયની છે, જ્યારે હેલિકોપ્ટર એર મેઇન્ટેનન્સ ચાર્જ કરી રહ્યું હતું. દુર્ઘટનાનાં કારણોની તપાસ માટે એક કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.
કેદારનાથ ધામ, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯
૨૦૧૮માં પણ કેદારનાથધામમાં દુર્ઘટનાનો શિકાર થયેલું MI -૧૭ હેલિકોપ્ટર ૨૦૧૯માં અહીં ફરી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ની સવારે ટેક-ઓફ થતી વખતે જ આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં પાયલટ સહિત ૬ લોકો સુરક્ષિત બચી ગયા હતા. આ હેલિકોપ્ટરે કેદારનાથથી ગુપ્તકાશી જવા માટે ઉડાન ભરી હતી.
જમ્મુ-કાશ્મીર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯
૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ની સવારે અંદાજે ૧૦ વાગે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં વાયુ સેનાનું MI -૧૭ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના છ અધિકારી સહિત ૧ નાગરિકનું પણ મોત થયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ હેલિકોપ્ટર બેદરકારીને કારણે પોતાની જ મિસાઈલનો શિકાર થયું હતું. આ દુર્ઘટનામાં ઘણા અધિકારીઓના સામે કાર્યવાહી થઈ હતી.
કેદારનાથધામ, ૩ એપ્રિલ ૨૦૧૮
ત્રણ એપ્રિલ ૨૦૧૮માં ઉત્તરાખંડના કેદારનાથધામમાં વાયુસેનાનું એક MI -૧૭ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ગુપ્તકાશીથી પુનર્નિર્માણ સામગ્રી લઈને આવતું આ હેલિકોપ્ટર હેલિપેડથી અંદાજે ૬૦ મીટર પહેલાં જ દુર્ઘટના થયું હતું. આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા, તેમાંથી એકને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બાકીના લોકો સુરક્ષિત હતા.
અરુણાચલ પ્રદેશઃ ૬ મે ૨૦૧૭
છ મે ૨૦૧૭ના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે વાયુસેનાના એક MI -૧૭ હેલિકોપ્ટર ઉડાન ભર્યાના થોડા સમય પછી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ જવાન શહીદ થયા હતા. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, આ હેલિકોપ્ટરે સવારે ૬ વાગે ઉડાન ભરી હતી અને એના થોડા સમય પછી જ એ ક્રેશ થયું હતું.