અમરેલી જિલ્લામાં ગુનાઓના આરોપીને પકડવા એસપીએ સૂચના અને માર્ગદર્શન આપ્યું છે. જે અનુસંધાને લીલીયા પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોર જીલ્લાના દ્વારકાપુરી પોલીસ સ્ટેશનના છેતરપિંડી અને વિશ્વાસઘાતના આરોપીને ઝડપી લીધો હતો. લીલીયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, યુ ટ્યુબ પર મધ્યપરેદશની ખબર ચેનલ દ્વારા એક વીડિયો પ્રસિદ્ધ થયો હતો. જેમાં ગુજરાતમાં રહેતા કથાકાર પુ.પ્રભુજી મહારાજે ઈન્દોરના સુદામાનગર વિસ્તારમાં પેમ્પલેટ-પોસ્ટર દ્વારા જાહેરાત કરી હતી કે ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ૫૦૦ રૂપિયા તથા ૬૦ વર્ષથી નીચેની ઉંમરની મહિલાઓને ૧૦૦૦ રૂપિયા ફી લઈ જુન ૨૦૨૧માં હરિદ્વાર કથામાં લઈ જવાની જાહેરાત કરવામાં આવી હતી. આરોપીએ આ રીતે ચાલ હજારથી વધુ મહિલાઓને વિશ્વાસમાં લઈ ૪૫ લાખ જેટલી રકમ ઉઘરાવી છેતરપિંડી કરી હતી. વીડિયોમાં જણાવેલા પ્રભુજીમહારાજ નામનો ઇસમ હાલ લીલીયા ટાઉન વિસ્તારમાં હોય અને તેની સામે મધ્યપ્રદેશમાં ગુનો નોંધાયો હોવાથી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ધરપકડ કરી હતી. આરોપી અજીતભાઈ ઉર્ફે પ્રભુજીમહારાજ બળવંતભાઈ ચૌહાણ બોટાદ રેલવે સ્ટેશન પાસે રહેતો હતો.