અમરેલી સીટી પોલીસે છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વર્ષ ૨૦૨૨માં અમરેલી સીટી પોલીસ મથકે ‘બાયોરામ બ્યુટીકેર લિમિટેડ’ નામની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. ૮,૪૫,૦૦૦ નું રોકાણ કરાવી, ઉંચા વળતર તરીકે રૂ. ૨૯,૭૭,૪૦૦ આપવાનો વાયદો કર્યો હતો. જોકે, વળતર કે રોકાણ પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.
પી.આઈ. ડી.કે. વાઘેલાની સૂચનાથી પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહિલા આરોપીને શોધી કાઢી હતી.પકડાયેલ આરોપી સુનીતાબેન સીતાકાન્ત મહાપાત્રા (રહે. સુપ્રવતક લાઈફ સ્ટાઈલ, બાલેશ્વર, ઓડિશા)ની અમરેલી પોલીસે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































