છત્તીસગઢના જશપુરમાં દિવંગત ભાજપના નેતા દિલીપ સિંહ જુદેવના પુત્ર પ્રબલ પ્રતાપ સિંહે ૧૨૦૦ લોકોની ઘરવાપસી કરાવી છે. એક કાર્યક્રમમાં ૩૦૦ જેટલા પરિવારના ૧૨૦૦થી વધુ લોકોને પુનઃ હિન્દુધર્મ અંગીકાર કરાવ્યો છે. હિન્દૂ રીતિરીવાજો મુજબ તમામ ૧૨૦૦ લોકોની ઘરવાપસી પગ ધોઈને કરવામાં આવી છે. જિલ્લાના પત્થલગાવ ખાતે ખૂંટાપાની ગામમાં એક મોટું આયોજન કરીને ઓપરેશન ઘરવાપસી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઘરવાપસી કાર્યક્રમનું નેતૃત્વ કરી રહેલા પ્રબલ પ્રતાપએ જણાવ્યું કે આ તમામ લોકોને ત્રણ પેઢી પહેલા ઈસાઈ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. ૨ દિવસના કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ લોકો એકત્રિત થયા હતા. આ ક્રાયક્રમ આર્ય સમાજ અને હિન્દૂ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
ઘરવાપસી પર વાત કરતા પ્રબલ પ્રતાપે જણાવ્યું છે કે સંઘ સાથે સંકળાયેલ અમારા લોકો અને સંગઠન દ્વારા સતત કાઉન્સિલિંગ કર્યા બાદ આ તમામ લોકોને અહેસાસ થયો હતો કે તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને ભૂલ કરી હતી. પ્રબલ પ્રતાપ સિંહનું કહેવું છે કે હિન્દુત્વની રક્ષા કરવો તેમના જીવનનો એકમાત્ર સંકલ્પ છે. તેમણે જણાવ્યું કે ઘરવાપસી કરનાર મોટાભાગના પરિવારો બસના સરાઈપાલીના છે.
પ્રબલ પ્રતાપએ જણાવ્યું છે કે આજે આટલી મોટી સંખ્યામાં લોકોનું તેમના મૂળ ધર્મમાં પરત ફરવું એક સારા સંકેત છે. કોઈની ગરીબીની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કરવામાં આવેલ કામ વધુ સમય ટકતું નથી. મિશનરીઓએ શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે ધર્મનો સોદો કર્યો હતો પરંતુ અમે સતત આ પ્રકારના ષડ્યંત્રો નિષ્ફળ કરતા રહીશું.