છત્તીસગઢમાં ધર્માંતરણના આરોપસર ધરપકડ કરાયેલી બે કેરળ સાધ્વીઓ શનિવારે જેલમાંથી જામીન પર બહાર આવી હતી. બે સાધ્વીઓ જેલમાંથી બહાર આવ્યા બાદ ભાજપ તેમજ સીપીઆઈના નેતાઓ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં નેતાઓ સાધ્વીઓનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જેમાં જોઈ શકાય છે કે ભાજપ સાંસદ પી. સંતોષ કુમાર તેમજ કેરળ ભાજપ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર સહિત ઘણા નેતાઓ સાધ્વીઓનું સ્વાગત કરવા માટે ત્યાં જોવા મળ્યા હતા.

કેરળની આ બે સાધ્વીઓની ધર્માંતરણ અને માનવ તસ્કરીના આરોપસર છત્તીસગઢમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૫ જુલાઈના રોજ, માનવ તસ્કરી અને બળજબરીથી ધર્માંતરણના આરોપસર દુર્ગ રેલ્વે સ્ટેશનથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. બજરંગ દળ સાથે સંકળાયેલા એક સ્થાનિક નેતાએ સાધ્વીઓ પર આ આરોપો લગાવ્યા હતા, જેના કારણે ઘણો વિવાદ થયો હતો.હવે આ બંને સાધ્વીઓને એનઆઈએ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્યારબાદ સીપીઆઈ સાંસદ પી. સંતોષ કુમાર, કેરળ ભાજપ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર અને અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની એનઆઇએ કોર્ટે શનિવારે દુર્ગ જિલ્લામાં કથિત માનવ તસ્કરી અને ધર્માંતરણના આરોપસર ધરપકડ કરાયેલા કેરળના બે સાધ્વીઓ સહિત ત્રણ લોકોને જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે મુક્તિ માટે પ્રતિ વ્યક્તિ ૫૦,૦૦૦ રૂપિયાના બોન્ડ જમા કરાવવા પડશે. આ સાથે, તમામ આરોપીઓના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે કોઈપણ આરોપી પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં.

વકીલોએ કહ્યું કે ત્રણેયને માનવ તસ્કરી અને બળજબરીથી ધર્માંતરણના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શુક્રવારે સુનાવણી બાદ પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ  સિરાજુદ્દીન કુરેશીની કોર્ટે તેમની અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

રેલ્વે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૨૫ જુલાઈના રોજ, સ્થાનિક બજરંગ દળના અધિકારીની ફરિયાદ પર, સરકારી રેલ્વે પોલીસે દુર્ગ રેલ્વે સ્ટેશનથી સાધ્વીઓ પ્રીતિ મેરી અને વંદના ફ્રાન્સીસની સાથે સુકમન માંડવી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.

૨૫ એપ્રિલના રોજ, દુર્ગની જીઆરપી પોલીસે નારાયણપુરના ઓરછાથી ૩ આદિવાસી છોકરીઓના માનવ તસ્કરી અને ધર્માંતરણના શંકાસ્પદ આધારે કેરળની ૨ સાધ્વીઓ અને નારાયણપુરના એક આદિવાસી યુવકની ધરપકડ કરી હતી. હિન્દુ સંગઠન બજરંગ દળ દ્વારા લેખિત ફરિયાદ અને જીઆરપી પોલીસ સ્ટેશનમાં થયેલા હંગામા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સાધ્વીઓની ધરપકડ બાદ છત્તીસગઢથી દિલ્હી, કેરળ સુધી રાજકારણ ગરમાયું હતું. સાધ્વીઓના સમર્થનમાં ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ અને સીપીઆઇ  સાથે સંકળાયેલા સાંસદો અને ઘણા નેતાઓ છત્તીસગઢ પહોંચ્યા હતા. સરકાર પર ખોટી કાર્યવાહીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેરળના ભાજપના નેતાઓએ પણ ધરપકડ કરાયેલા સાધ્વીઓને નિર્દોષ ગણાવ્યા હતા. ડાબેરી પાંખના નેતા બ્રિન્દા કરાતે બજરંગ દળ સામે કાર્યવાહીની માંગ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ સાધ્વીઓને ટેકો આપ્યો હતો.