એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ છત્તીસગઢમાં એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી હતી. આ કેસમાં ઈડીએ નિવૃત્ત આઇએએસ અધિકારી અનિલ તુટેજા, રાયપુરના મેયરના મોટા ભાઈ અને અન્ય વ્યક્તિઓની ૨૦૫ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટાંચ કરાયેલી મિલકતોમાં ટુટેજાની રૂ. ૧૫.૮૨ કરોડની ૧૪ મિલકતો, રાયપુરના મેયર અને કોંગ્રેસી નેતા એજાઝ ઢેબરના મોટા ભાઇ અનવર ઢેબરની રૂ. ૧૧૬.૧૬ કરોડની ૧૧૫ મિલકતો, વિકાસ અગ્રવાલ ઉર્ફે સુબ્બુની રૂ. ૧.૫૪ કરોડનો સમાવેશ થાય છે. અને અરવિંદ સિંહની ૧૨.૯૯ કરોડની ૩૩ મિલકતોનો સમાવેશ થાય છે.
નિવેદન અનુસાર, ભારતીય ટેલિકોમ સર્વિસના અધિકારી અને એક્સાઇઝ વિભાગના વિશેષ સચિવ અરુણપતિ ત્રિપાઠીની રૂ. ૧.૩૫ કરોડની મિલકતો, ત્રિલોક સિંહ ધિલ્લોનની રૂ. ૨૮.૧૩ કરોડની નવ મિલકતો, નવીન કેડિયા અને આશિષ સૌરભની રૂ. ૨૭.૯૬ કરોડની જ્વેલરી. કેડિયા/દિશિતા વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની રૂ. ૧.૨ કરોડની મૂવેબલ એસેટ્સ એટેચ કરવામાં આવી છે.
ઈડીએ કહ્યું કે અનવર ઢેબરની અટેચ કરેલી મિલકતોમાં હોટેલ વેનિંગ્ટન કોર્ટ, રાયપુરનો સમાવેશ થાય છે. અટેચ કરેલી મિલકતોની કુલ કિંમત ૨૦૫.૪૯ કરોડ રૂપિયા છે. આ કેસમાં ઈડીએ તાજેતરમાં તુટેજાની ધરપકડ કરી હતી. ઈડીનો આરોપ છે કે દારૂના ગેરકાયદે વેચાણ દ્વારા કમાણી કરાયેલ કમિશન ‘રાજ્યના ટોચના નેતાઓની સૂચના મુજબ’ વહેંચવામાં આવ્યું હતું.