છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલએ ધરપકડ સામે રક્ષણ માંગ્યું હતું. જોકે, કોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને બંનેને હાઇકોર્ટમાં જવા કહ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટ એજન્સીઓની સત્તાઓ અંગે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવા તૈયાર છે. આ મામલાની સુનાવણી ૬ ઓગસ્ટે થશે. પીએમએલએ કાયદા અંગે કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની ધરપકડ થાય છે ત્યારે જ આ કાયદા પર પ્રશ્નો કેમ ઉઠાવવામાં આવે છે.

ભૂપેશ બઘેલ અને ચૈતન્ય બઘેલ છત્તીસગઢના કથિત દારૂ કૌભાંડમાં આરોપી છે. ઈડ્ઢ એ ચૈતન્ય બઘેલને આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર માન્યો છે. ઈડ્ઢ ના મતે, ૨૦૧૯-૨૨ દરમિયાન રાજ્યમાં ૨૧૦૦ કરોડનું કૌભાંડ થયું હતું. બધા પૈસા ચૈતન્ય દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના વિકાસ પર ૧૬.૭ કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો.

ઈડીનું કહેવું છે કે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડથી રાજ્યની તિજારીને ભારે નુકસાન થયું હતું. આ કૌભાંડ દ્વારા, દારૂ સિન્ડીકેટના લાભાર્થીઓને ૨,૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો હતો. જાન્યુઆરીમાં, ઈડીએ આ કેસમાં તપાસના ભાગ રૂપે ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા કવાસી લખમા ઉપરાંત અનવર ઢેબર, ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી અનિલ તુટેજા, ભારતીય દૂરસંચાર સેવા અધિકારી અરુણપતિ ત્રિપાઠી અને કેટલાક અન્ય લોકોની ધરપકડ કરી હતી.

ઈડીએ ૧૮ જુલાઈના રોજ ચૈતન્ય બઘેલની ધરપકડ કરી હતી. આ પછી, તેમને ૨૨ જુલાઈના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પછી, તેમણે સુપ્રીમ કોર્ટમાં ધરપકડથી રક્ષણ માંગ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.