નવા રાયપુરના રાખી ગામમાં એક સ્કૂલ છે જ્યાં અભ્યાસ માત્ર ઇંગ્લિશ મીડિયમમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક થાય છે તેમજ સુવિધા કોઇ ટોચની સ્કૂલ જેવી પરંતુ પ્રવેશ માત્ર ગરીબ બાળકોને જ આપવામાં આવે છે. એ પણ માત્ર કેજી-૧માં. તેના માપદંડો પણ અન્ય સ્કૂલ કરતાં અલગ છે. ના તો બાળકોની પરીક્ષા લેવાય છે, ન માતા-પિતાની. અહીંયા પ્રવેશ પહેલા બાળકોના ઘરે જઇને ચેક કરવામાં આવે છે કે તેના ઘરે દ્વીચક્રી વાહન, કૂલર, ફ્રિજ, વોશિંગ મશીન અને ટીવી તો નથી ને. જે બાળકના ઘરમાં આ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે તેઓ પ્રવેશને પાત્ર નથી.
સામાન્યપણે સ્કૂલમાં પરીક્ષાના આધારે લિસ્ટ તૈયાર થયા બાદ પ્રવેશ અપાય છે, પરંતુ અહીંયા પ્રવેશ માટે ગરીબી અંગેનું આકલન કરવામાં આવે છે. આ માટે સ્કૂલની સરવે ટીમ સમગ્ર વર્ષ દરમિયાન ફરે છે. સરવે દરમિયાન, જ્યાંથી ૫ કે ૬ વર્ષના બાળકો જાવા મળે છે, તે પરિવારની કુંડળી બનાવાય છે. સ્કૂલ મેનેજમેન્ટે નવા રાયપુરના પ્રભાવિત ૪૧ ગામોની પસંદગી કરી છે. અત્યાર સુધી ૨૪ ગામોનું સરવે કરીને ત્યાંના બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાયો છે. દર વર્ષે ૭૦ બેઠકો પર પ્રવેશ અપાય છે. તેના માટે સરવેના આધારે ૨૦૦ ગરીબ પરિવારોની પસંદગી કરાય છે.
પ્રવેશ પૂર્વે તે ગરીબ પરિવારોનો ઇતિહાસ ચકાસવામાં આવે છે. તેમાંથી પસંદ કરાયેલા ૭૦ પરિવારોની પાસે ઉપલબ્ધ સુવિધાઓ વિશે ચેક કરવામાં આવે છે. ઓછી સુવિધા ધરાવતા પરિવારના બાળકોને તક આપવામાં આવે છે. તે ઉપરાંત જે બાળકોના માતા-પિતા સાક્ષર છે અથવા ઓછું ભણેલા છે તેઓના બાળકોને પણ પ્રાધાન્ય અપાય છે.
સ્કૂલમાં પણ આરટીઇ અંતર્ગત બાળકોનો ક્વોટા છે. તે બાળકોના અભ્યાસનો ખર્ચ સરકાર પૂરો પાડે છે, પરંતુ ક્રિસ્ટલ હાઉસ ઈન્ડિયા સ્કૂલ મેનેજમેન્ટ સરકાર તરફથી મળેલા ઇ્‌ઈના પૈસાનો પણ સ્વીકાર કરતી નથી. સ્કૂલ મેનેજમેન્ટને અનેકવાર સરકારી પૈસા લેવા માટે અનુરોધ કરાયો, પરંતુ તેઓએ ઇનકાર કર્યો. સરવે દરમિયાન ટી ચેક કરે છે કે જરૂરિયાતમંદ બાળકોના ઘરે ટુ-વ્હીલર અથવા સાઇકલ છે. ફ્રિજ અને વોશિંગ મશિન કે કૂલરનો ઉપયોગ કરાય છે. પરિવારની કમાણી અંગે પણ જાણકારી એકત્ર કરાય છે.
સ્કૂલમાં બાળકોને વૈવિધ્ય ધરાવતો નાસ્તો અને લંચ આપવામાં આવે છે. સાંજે રજા પહેલા બિસ્કિટની સાથે ૨૦૦ મિલી દૂધ અપાય છે. સ્કૂલના ફર્નિચરની બનાવટ પણ નાના અને મોટા બાળકોને અનુરૂપ છે. બાળકોની સ્કૂલથી ઘર સુધીની અવરજવર માટે બસ સેવા પણ પૂરી પાડવામાં આવે છે.
અમેરિકાની સામાજીક સંસ્થા આ સ્કૂલનું સંચાલન કરી રહી છે. છ વર્ષ પહેલા ૨૦૧૬માં ૨૧૦ બાળકો સાથે બેંગ્લુરુમાં આવી સ્કૂલ ખોલવામાં આવી હતી. તેનો હેતુ અત્યંત ગરીબ બાળકોને પ્રવેશ અપાવવાનો છે જેથી તેઓ પરિવારના જીવનધોરણને ઉચ્ચ સ્તર સુધી લાવી શકે. સ્કૂલ માટે પરિસર અને જગ્યા રાયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ પૂરી પાડી છે.