મધ્યપ્રદેશના છતરપુરમાં ૮૦ ફુટ ઊંડા બોરવેલમાં પડેલી ૧૫ મહિનાની દિવ્યાંશીને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાઈ છે. તેનું રેસ્ક્યૂ ઓપરેશન લગભગ ૧૦ કલાક સુધી ચાલ્યું હતું. દિવ્યાંશી બોરવેલમાં ૧૬ ફુટની ઊંડાઈએ ફસાઈ હતી. રેસ્ક્યૂ ઓપરેશન ગુરુવારે બપોરે ૩.૩૦ વાગ્યાથી ૧૨.૪૭ વાગ્યા સુધી ચાલ્યું. બચાવવા કામગીરીમાં પોલીસ, જીડ્ઢઈઇહ્લ સાથે આર્મીના જવાનો જોડાયા હતા. દિવ્યાંશીને જેવી બહાર કઢાઈ કે આસપાસના લોકો ઉજવણી કરવા લાગ્યા અને ‘દિવ્યાંશી તું જીતી ગઈ’ એવા નારા લગાવવા લાગ્યા હતા.
ગુરુવારે બપોરે દૌની નૌગાવમાં ૧૫ મહિનાની દિવ્યાંશી કુશવાહા પોતાના ખેતરના બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટના બપોરે લગભગ ૧ વાગ્યાની આસપાસ બની હતી. દિવ્યાંશી તેની માતા અને ૨ બહેનો સાથે ખેતરમાં પહોંચી હતી. આ દરમિયાન તેમની માતા રામસખી કામ કરી રહી હતી, ત્યારે ત્રણેય બાળકો એકબીજો સાથે રમવા લાગ્યા હતા. રમતા-રમતા દિવ્યાંશી અચાનક બોરવેલમાં પડી જતા તેની માતાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. રામસખીએ તાત્કાલિક આસપાસના લોકોની સહાય લીધી અને દિવ્યાંશી બહાર કાઢવા સરપંચને પણ કોલ કર્યો હતો. ત્યારપછી કલેક્ટર અને એસપી સહિત તમામ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા અને એસડીઇઆરએફ સાથે આર્મીની સહાય લઈ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.