અમરેલી જિલ્લામાં છેલ્લાં ઘણા દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે આવા સમયે જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પણ પાણીનો પોકાર જાવા મળી રહ્યો છે. છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતુ નથી ત્યારે તંત્ર દ્વારા છેવાડાના વિસ્તારો માટે પાણી પહોંચાડવામાં આવતી પાઈપલાઈનમાં ભંગાણ પડયુ હોવાથી બેફામ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેમાં ધારીના છતડીયાથી ઝર ગામ વચ્ચે આવેલી નર્મદાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હોવાથી પાણીના ફુવારા ઉડી રહ્યાં છે. આ અંગે ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હાલ ખુબજ ગરમી પડી રહી છે. ઉનાળામાં છેવાડાના વિસ્તારોમાં પાણી પુરતું પહોંચતુ ન હોવાથી પાણી માટે મહિલાઓ આમથી તેમ ભટકી રહી છે. નર્મદાની પાઈપલાઈન છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવી છે પરંતુ પાઈપલાઈનમાં વારંવાર ભંગાણ પડતુ હોવાથી પુરતા ફોર્સથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચતુ નથી.હજુ ચોમાસાને એક માસ કરતા વધારે સમયની વાર છે અને નદી-નાળા અને ચેકડેમ સુકાઈ ગયા છે તો કૂવા-બોરમાં પાણીના તળ નીચે ગયા છે. જેના કારણે હાલ ગ્રામજનોએ માત્ર નર્મદાના પાણી પર જ આધાર રાખવો પડે છે. અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાની પાઈપલાઈન નાખવામાં આવી છે પરંતુ અનેક સ્થળોએ પાઈપલાઈન જમીનમાંથી બહાર નિકળતી પણ જાવા મળે છે તો અનેક જગ્યાએ નર્મદાની પાઈપલાઈનમાંથી પાણીના ફુવારા ઉડતા હોવાથી પાણીનો વ્યય થાય છે આવા સમયે જવાબદાર તંત્ર દ્વારા જિલ્લામાં નાખવામાં આવેલી પાઈપલાઈનો સર્વે કરી જે જગ્યાએ પાઈપલાઈન લીકેજ છે તેને રીપેર કરવામાં આવે તે જરૂરી છે પરંતુ તંત્ર પાસે આવો સમય જ ન હોવાથી તંત્રની નીતિ સામે ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે.