રાજુલા શહેરમાં ગઇકાલે સોની વેપારી પાસેથી સોનાના દાગીના ભરેલ થેલો આંચકી જવા પ્રયાસ કરાયાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાને પગલે રાત્રે જ ધારાસભ્ય અંબરીશ ડેર અને વેપારીઓએ આવી ઘટનાઓને અટકાવવા માટે શું કરવું જાઇએ? તેની ચર્ચા-વિચારણા માટે મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શહેરના વેપારીઓ, પાલિકા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવી ઘટનાઓ બનતી અટકે તે માટે શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત ત્રણથી ચાર ઘટનાઓ બને છે, જેની સામે ફરિયાદ માત્ર એક જ નોંધાય છે ત્યારે બધાએ એક થઇને આગળ આવવું પડશે, તેવો આ બેઠકમાં આગેવાનો દ્વારા અનુરોધ કરાયો હતો. લૂંટના પ્રયાસની તેમજ ચોરીની ઘટનાના મૂળ સુધી પહોંચી પ્રશાસન કડક કાર્યવાહી કરે તેવી લાગણી વેપારીઓએ વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, આવી ગંભીર ઘટનાઓ અટકાવવા માટે ગુજરાત સરકારનો મંજુર થયેલ વિશ્વાસ પ્રોજેક્ટ પાસ કરવામાં નહીં આવે તો લોકો સાથે મળી અમે ૩૦ દિવસની અંદર મોટાભાગે સીસીટીવી કેમેરા લગાવી દઇશું, તેમ આ બેઠકમાં નિર્ણય લેવાયો છે.