ચોમાસામાં લેવાતા વિવિધ પાકોમાં તુવેર એ અગત્યનો કઠોળ પાક છે. તેમાં પણ ગયા વર્ષે ખેડૂતમિત્રોને તુવેરના ખુબ સારા ભાવ મળેલા હોવાથી આ વર્ષે તુવેરના પાકનું વાવેતર વધારે થયેલ છે. હાલ ખેડૂતમિત્રો તુવેરનો પાક મગફળી, સોયાબીન, એરંડા જેવા પાક સાથે આંતર પાક તરીકે પણ લે છે. તુવેરના ઉત્પાદનમાં વિક્ષેપરૂપ દુશ્મનો ઘણા છે, જેવા કે નિંદણ, જીવાત અને રોગ. તે પૈકી તુવેરમાં આવતા રોગો અગત્યનું સ્થાન ધરાવે છે. આ રોગો સામાન્ય રીતે ફૂગ, જીવાણું કે વિષાણુંથી થતા હોય છે. તેની ઓળખ ખેડૂતો માટે ખૂબ જ અનિવાર્ય છે. કોઈપણ રોગની ઓળખ અને થવાનું કારણ સંપૂર્ણ પણે જાણતા હોઈએ તો જ તેમના નિયંત્રણ માટેના પગલાં યોગ્ય સમયે ભરી શકાય. આ લેખમાં રોગ થવાના કારણો, લક્ષણો અને ઉપાય સૂચવવામાં આવેલ છે. જે ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલ દરેકને ઉપયોગી પૂરવાર થશે.

 

સુકારો તુવેરમાં સુકારાનો રોગ ખુબ જ અગત્યનો છે. આ રોગ જમીન જન્ય ફયુઝેરીયમ નામની ફૂગથી થાય છે. આ રોગના લક્ષણો પાક જ્યારે ફૂલ અને શીંગ અવસ્થાએ હોય ત્યારે જાવા મળે છે. રોગની શરૂઆતમાં જમીનમાં ભેજ હોવા છતાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેમ ચીમળાયેલો લાગે છે. છોડના પાન પીળા પડી સૂકાય જાય છે. છોડ ધીરેધીરે અથવા ઘણી વખત એકાએક સુકાઈ જાય છે. કોઈ વખત અસરગ્રસ્ત છોડ અર્ધ સુકાયેલા જાવા મળે છે. રોગીષ્ટ છોડના થડને ઉભું ચીરીને જાતા મધ્યમાં રહેલ જલવાહિની કાળી કે ભૂખરા રંગની થઈ ગયેલ જાવા મળે છે.
નિયંત્રણ તુવેરમાં સુકારાના નિયંત્રણ માટે, વાવેતર સમયે બીજને કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા થાયરમ ૨ ગ્રામ એક કિલોગ્રામ બીજ પ્રમાણે માવજત આપીને વાવેતર કરવું. આ રોગ જમીન જન્ય હોવાથી રોગ આવી ગયા પછી રસાયણીક નિયંત્રણ આર્થિક રીતે પોષાય નહિ માટે વિવિધ ખેત કાર્યો દ્વારા આ રોગનું નિયંત્રણ કરવું જાઈએ જેવા કે, શરૂઆતની અવસ્થાએ રોગીષ્ટ છોડનો નાશ કરવો, પાકની કાપણી પછી ઉંડી ખેડ કરી રોગીષ્ટ છોડના અવશેષો દુર કરવા. રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી ઉપલબ્ધ જાતો વાવેતર માટે ઉપયોગમાં લેવી. તુવેરના
પાક સાથે મકાઈ અથવા જુવારનો પાક આંતરપાક તરીકે લેવાથી સુકારાના રોગનું પ્રમાણ ઘટડી શકાય છે.
થડનો કોહવારો જમીનજન્ય ફુગથી થતો આ રોગ સામાન્ય રીતે સતત વરસાદ પડવાથી જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં તુવેરનું વાવેતર કરવાથી જાવા મળે છે. જે પાકની શરૂઆતની અવસ્થામાં જાવા મળે છે. રોગની શરૂઆતમાં પાન પર પાણી પોચા ડાઘા પડે છે અને પાન સુકાઈ જાય છે તેમજ છોડના થડમાં રોગની ફૂગ લાગવાથી થડમાં સડો થઈ છોડ ત્યાંથી ભાંગી જાય છે. છોડના થડ ઉપર જ્યાં રોગ લાગેલો હોય ત્યાં સફેદ ફૂગનો વિકાસ થયેલો જાવા મળે છે.
નિયંત્રણ
» આવા સંજાગોમાં પાકનું રક્ષણ કરવા માટે વાવેતર કરેલ ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે જાવું.
» આ ઉપરાંત પાળા ઉપર વાવેતર કરવાથી આ રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
» તુવેરના બીજને મેટાલેકઝીલ ફૂગનાશક દવાનો ૩ ગ્રામ/ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપી વાવેતર કરવું.
» રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
વંધ્યત્વ (સ્ટરીલીટી મોઝેક) આ રોગ વિષાણુ (વાયરસ)થી થાય છે. જેનો ફેલાવો પાનકથીરીથી થતો હોય છે. સામાન્ય રીતે આ રોગનો ઉપદ્રવ ડિસેમ્બર મહિનાથી થતો હોય છે. તેથી વહેલી પાકતી જાતોમાં આ રોગના ઉપદ્રવથી નુકસાન થતું નથી. પરંતુ મોડી પાકતી જાતોમાં તેનાથી નુકસાન થાય છે.
નિયંત્રણ
» આ રોગનું નિયંત્રણ કરવા તુવેરનો બડઘા પાક લેવો નહી.
» પાકની ફેરબદલી કરવી.
» શરૂઆતમાં રોગિષ્ટ છોડ દેખાય તો તેને કાઢી નાખવા.
» આગલા વર્ષના છોડ જા શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયા હોય તો તેને દુર કરવા.
» આ રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થતો હોઈ તેના નિયંત્રણ માટે ડાયફેનથીયુરોન નામની દવા ૧૨ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.