ચોમાસાના આગમન પર મોટી ખુશખબર સામે આવી છે. ચોમાસું કેરળથી અંદાજે માત્ર ૩૦૦ કિલોમીટર દૂર છે. ચોમાસું અરબ સાગરના દક્ષિણ ભાગમાં બેઠું છે. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. ૨૦૨૪ કરતાં ૭ દિવસ ચોમાસું વહેલું ચાલી રહ્યું છે. ગયા વર્ષે ૨૨ મેએ જ્યાં પહોંચ્યું હતું ત્યાં આ વખતે આજે જ પહોંચી ગયું છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, માલદીવ, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો, આંદામાન ટાપુઓ અને આંદામાન સમુદ્રના કેટલાક ભાગોમાં વધુ આગળ વધ્યું છે. આગામી ૩-૪ દિવસ દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન ટાપુઓ અને આંદામાન સમુદ્રના બાકીના ભાગોમાં અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
નોંધનીય છે કે, ચોમાસું સમય કરતાં વહેલું આવી રહ્યું છે. ૧૩મી મેના રોજ આંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી. ચોમાસું સામાન્ય કરતાં ૨ દિવસ વહેલું આવ્યું હતું. આંદમાનમાં ૧૫ મેએ ચોમાસાની શરૂઆત થાય છે. જ્યારે હવામાન વિભાગનું અનુમાન એકદમ સચોટ રહ્યું છે.આઇએમડીએ ૬ મેના અનુમાનમાં ૧૩ મેની તારીખ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આંદમાનમાં આગમન થયા પછી એક મહિનામાં ગુજરાતમાં એન્ટ્રી થતી હોય છે. એટલે જા બધી સ્થિતિ અનુકૂળ રહેશે તો ૩૦ દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચે છે. ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની સામાન્ય તારીખ ૧૫ જૂન છે.