ગુજરાતમાં હમણાં હમણાં કાઠીયાવાડના બે ધારાસભ્યો વચ્ચે ચેલેન્જ ચેલેન્જ રમાઈ ગઈ. એકે કીધું તું રાજીનામું આપ, બીજાએ કીધું તું આપ. પછી હું તારા વિસ્તારમાં તારા સામે ચૂંટણી લડવા આવું. બીજાએ કીધું એક બાપનો હોય તો રાજીનામું લઈને ફલાણી ફલાણી તારીખે આટલા વાગે ગાંધીનગર આવી જા. સામસામે લડીએ… મોરેમોરો… જેવા શબ્દપ્રયોગો બંને વિધેયકોના ઉત્તેજિત ટેકેદારો સોશ્યલ મીડિયામાં ઉછાળવા લાગ્યા. ખરા પ્રતિસ્પર્ધી તો બોલે ત્યારે બોલે, બંને તરફના ટેકેદારોએ કાગારોળ કરી મૂકી. આ ટેકેદારોને ઉત્તેજિત થવા માટે ખુબ નાના નાના ઇસ્યુની જરૂરીયાત રહે છે. તુરંત ઉછળીને વ્હોટએપ, ફેસબુક ઉપર કુદાકુદી કરી મૂકે છે. ઉમેદવારોનું લોહી કોઈ મુદ્દે ઠંડુ થઇ જાય ત્યાર પછી બે ત્રણ દિવસે ટેકેદારોનું તાપમાન નીચું આવે છે. કાઠીયાવાડના ડાયરાઓમાં હમણાં હમણાં ખુબ ઉપયોગમાં લેવામાં આવતો શબ્દ ‘મોરેમોરો’ હવે રાજકીય ક્ષેત્રમાં પણ વપરાવા લાગ્યો છે. ટેકેદારોને શબ્દના અર્થની કે પરિણામોની જાજી પરવા નથી હોતી. જનતાના દુર્ભાગ્યે એક સ્પર્ધક તો સાચેસાચ રાજીનામું લઈને ગાંધીનગર પહોચી ચુક્યા હતા. એ દરમિયાન ગુજરાતી છાપાઓમાં અંગ્રેજી શબ્દ ‘ચેલેન્જ’ ખુબ છપાયો. આપણા રાજકારણમાં ઉમેદવાર જીતી ગયા બાદ પ્રજાકીય જવાબદારી અંગે કેટલો સભાન હોય છે, આ ઘટના તેનું વરવું ઉદાહરણ છે. પ્રજાએ તમને જનાદેશ આપ્યો છે, કામ કરવા માટે, અમુક ચોક્કસ સમય માટે કે બીજી ચૂંટણી ન આવે ત્યાં સુધી. પોતાની, પોતાના વિસ્તારની અપેક્ષાઓ પૂરી કરવા બીજાઓને નાપસંદ કરીને તમારા પર કળશ ઢોળ્યો છે. હજુ તમે ધારાસભ્ય તરીકે સૌગંધ પણ નથી લીધા અને રાજીનામાં ફેંકવાની હરીફાઈમાં ઉતરી પડો છો. એ જનતાએ શું સમજવું જેણે તમને પંદર દા’ડા પહેલા જ મત આપ્યો છે. તમને તમારા વિસ્તારની જનતાએ જનમત આપીને ચૂંટ્યા છે. જનમત ફતવો નથી, કે આજથી આ તમારા પ્રતિનિધિ છે, સ્વીકાર કરો. તંત્રએ મહેનત કરીને ચૂંટણી યોજીને તમારા જનાદેશને ઈવીએમમાં આંકડાઓ ભરીને ગણતરી કરીને તમને વિજેતા કે હારેલ જાહેર કર્યા છે. હવે પ્રજાનો અવાજ ઉઠાવવા માટે તમારી પાસે વિધાનસભા જેવું અસરકારક માધ્યમ છે. માત્ર સોશ્યલ મીડિયા થકી કારકિર્દી કે સેવા નહિ થઇ શકે. સરકાર પાસે નિર્ણય કરાવવાની અસ્સલ જગ્યા વિધાનસભા છે. તમારું કૌવત બતાવવાની અસ્સલ જગ્યા વિધાનસભા છે.
મુદ્દાઓની પસંદગી અને મુદ્દાઓ ઉઠાવવાના માધ્યમની પસંદગી રાજનીતિક કારકિર્દી માટે અગત્યની બની રહે છે. ફાલતું મુદ્દાઓમાં સમય બરબાદ કરવા લાગશો તો જરૂરી મુદ્દાઓ રહી જશે. આમ આદમી પાર્ટી પાસે તો દિલ્હીનો ઘરનો મોટો બોધપાઠ મોજૂદ છે, ખાલી શો-મેનશીપથી કામ નહિ બને. પ્રજા વહેલી મોડી ઉખાડી ફેંકશે. ગુજરાતમાં તો તમારે હજુ પગ જમાવવાની શરૂઆત છે. ગુજરાત જેવા રાજ્યમાં તો દિલ્હીની તરેહથી હરગીજ જનાદેશ નહિ મળે. વર્ષો સુધી, અભૂતપૂર્વ જનાદેશ મેળવી ગયેલી કોંગ્રેસ પણ કોઈ અસરકારક વિચારધારા અને નેતૃત્વના અભાવે કમબેક નથી કરી શકી. તમારી હકારાત્મક હાજરી રાજકારણમાં જ્યાં સુધી નથી વર્તાતી ત્યાં સુધી રાજકીય જમીન તૈયાર નથી થતી. તમારું વજૂદ ત્રણ દાયકાથી સતત અને સફળ શાસન કરતી પાર્ટી સામે છે. ગૃહમંત્રી સામે જૂતું ફેંકીને કરેલી કારકિર્દીની શરૂઆત હવે એ ઢબે જ આગળ નહિ ચાલે. રાજકારણ જૂતા મારવાની નહિ એ તો જૂતા ખાવાની રમત છે, કાલ સુધી તમે જે જૂતા બીજા પર ફેંકતા હતા, હવે એ તમારા પર ફેંકાઈ શકે છે. ફેસબુક અને ફાઈલોના રાજકારણમાં આભ જમીનનું અંતર છે. આજદિન સુધી તમે જે સવાલો સિસ્ટમને કરતા હતા હવે એ સવાલોના જવાબો આપવા પડશે. હવે તમે સિસ્ટમનો હિસ્સો છો, જેનો ઇનકાર નહિ થઇ શકે.
લાંબા ગાળાની રાજનીતિ લાંબા ગાળાના આયોજન, ધ્યેય અને નીતિઓ પર આધાર રાખે છે. અને એક વખત આ નક્કી થઇ ગયા બાદ એ જ દિશામાં આગળ વધવાનું રહે છે. જેટલું ડાયવર્ઝન થશે, મંઝીલ એટલી મોડી મળશે. ખેડૂતનું કૂતરું જે ગાડા પાછળ ચાલતું હતું એ વાડીયેથી ફળીયે પહોચતા થાકીને ઢેર થઇ ગયું, કારણકે એ વાડીયેથી લઈને ફળિયા સુધી હરેક શેરીના કૂતરાઓ સામે ભસતું ઝઘડતું આવ્યું હતું. ગાંધીનગરની મઝલ પણ ઘણી લાંબી છે. અત્યારે ગાડા પાછળ શાંતિથી ચાલતું જવું જ હિતકારી છે. રાજકારણમાં તમે જેને ગાળો આપો છો, તમે તુરંત એના જેવડા નથી થઇ જતા. તેના સુધી પહોચવાનો એક જ રસ્તો છે, તેનાથી મોટા અને સવાયા કામ કરી જવાનો. બીજાને ગાળો દઈને કારકિર્દી બની જાય એવું કોઈ ક્ષેત્ર અત્યારે મોજૂદ નથી. રાજકારણ તો હરગીઝ નહિ.
શરૂઆત એકથી જ થાય છે, પણ તેની પાસે દીર્ઘદ્રષ્ટિ જરૂરી છે. આર્ષદ્રષ્ટી વિનાનું ઝનૂન નકામું છે. જે કાર્લ માર્ક્સ એક વિચારધારાને લઈને આખા વિશ્વ પર ફૂંકાઈ ગયો, ફના થઇ ગયો એ જયારે ઈંગ્લેન્ડમાં દફન થયો ત્યારે દશ માણસો જ હાજર હતા. વિચારધારા પણ વિશ્વપટલ પરથી ગાયબ થઇ ચૂકી હતી. કારણ કે એને તોડતી બીજી વિચારધારા પ્રગટ થઇ ચૂકી હતી. એક શ્યામાપ્રસાદ મુખર્જીએ સાત આઠ દાયકા પહેલા એક પક્ષની સ્થાપના કરી એ પક્ષ આજે હિન્દુસ્તાનના જનમાનસ પર છવાઈ ગયો. એ ઉદ્દેશો મોટા હતા. બીજી કોઈ સ્થાપિત વિચારધારાને વિરામ આપીને નવી વિચારધારા સ્થાપિત કરવાની નેમ હતી. મોટા કાર્યોની સાથે મોટા ઉદ્દેશો જોડાયેલા હોય છે. શરૂઆત ચાહે ગમે તેટલા નાના સ્વરૂપથી થાય, જો ઉદ્દેશો માનવજાત કલ્યાણ સારું હશે, ઉમદા હશે તો મોટા ફલક પર ફૂંકાઈ જવું અવશ્યંભાવી છે. નઠારા ઉદ્દેશો અને નીતિઓ સાથે ઔરંગઝેબ પણ અવાવરું જગ્યાએ દફન થઇ ગયો હતો.
ક્વિક નોટ – જયારે આખી દુનિયા મારી વિરુદ્ધમાં હોય છે, ત્યારે મને ખાતરી થઇ જાય છે કે હું સાચો છું. – જનરલ ચાર્લ્સ દ’ ગોલ