પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇને કોર્ટમાં ખેંચી શકે છે. પાકિસ્તાન ચેમ્પીયન્સ ટ્રોફીને લઈને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્‌સ એટલે કે સીએએસ (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્‌સ)માં કેસ દાખલ૦ કરવાનું વિચારી રહ્યું છે. આવા અહેવાલો એટલા માટે સામે આવ્યા છે કારણ કે ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે પાકિસ્તાનમાં ચેમ્પીયન્સ ટ્રોફીની મેચ રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ કારણોસર પીસીબી આ પગલું ભરી શકે છે.
પાકિસ્તાન આઇસીસી ચેમ્પીયન્સ ટ્રોફી ૨૦૨૫ની યજમાની કરી રહ્યું છે. પાકિસ્તાને આ ટૂર્નામેન્ટની તૈયારીઓ તેજ કરી દીધી છે. જા કે, ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ અહેવાલોનું માનીએ તો ભારતે રાજકીય તણાવને કારણે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી છે. આ સિવાય સુરક્ષા પણ મોટો મુદ્દો છે. પીટીઆઈએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે બીસીસીઆઈએ આઈસીસીને જાણ કરી છે કે તેઓ હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પીયન્સ ટ્રોફી રમી શકે છે, જેમાં ટીમની તમામ મેચો પાકિસ્તાનને બદલે યુએઈમાં યોજવામાં આવે છે.
પાકિસ્તાન આનાથી ખુશ નથી, કારણ કે ગયા વર્ષે નવેમ્બરમાં, પાકિસ્તાનની ટીમ આઇસીસી મેન્સ વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ભારતની મુલાકાતે આવી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાન ઈચ્છે છે કે ભારતીય ટીમ પણ પાકિસ્તાન આવે. પીસીબી અધ્યક્ષે પણ કહ્યું છે કે તેમને બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ માહિતી મળી નથી. બીજી તરફ એનડીટીવીના અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાન હવે ચેમ્પીયન્સ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ બીસીસીઆઈ સામે સ્પોર્ટ્‌સ આર્બિટ્રેશનનો સંપર્ક કરી શકે છે. છેલ્લા એક દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ રમાઈ નથી, પરંતુ ૨૦૧૨માં દ્વિપક્ષીય શ્રેણી રમ્યા બાદ પાકિસ્તાનની ટીમ બે વખત ભારતની મુલાકાતે આવી છે. પાકિસ્તાને ભારતમાં ૨૦૧૬ ટી ૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૩ વનડે વર્લ્ડ કપ રમ્યો છે.