પાકિસ્તાન ક્રિકેટમાં ડ્રામા ક્યારેય સમાપ્ત થતો નથી. તાજેતરનું ઉદાહરણ પાકિસ્તાનની લાલ બોલની ક્રિકેટ ટીમ સાથે સંબંધિત છે. હકીકતમાં, આ વર્ષે એપ્રિલમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીને ૨ વર્ષ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ઓક્ટોબર ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટનની વિદાય બાદ, ગિલેસ્પીને વચગાળાના ધોરણે મર્યાદિત ઓવરોની ટીમનો કોચ પણ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન ટીમ સાથે જાડાયેલા ગિલેસ્પીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યાને માત્ર ૭ મહિના જ થયા હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઉતાવળમાં મોટું પગલું ભરવું પડ્યું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જેસન ગિલેસ્પીના રાજીનામા બાદ પાકિસ્તાની ટીમના વચગાળાના રેડ બોલ હેડ કોચ તરીકે આકિબ જાવેદની નિમણૂક કરી છે. લાલ બોલના મુખ્ય કોચ તરીકે આકિબની પ્રથમ સોંપણી દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલા તમામ ફોર્મેટ પ્રવાસ દરમિયાન બે મેચની ટેસ્ટ શ્રેણી હશે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની રેડ બોલ ટીમના હાઈ પરફોર્મન્સ કોચ ટિમ નિલ્સનનો કોન્ટ્રાક્ટ ન વધારવા પર જેસન ગિલેસ્પી પીસીબીથી નારાજ હતો. ગિલેસ્પીને આ નિર્ણય વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આથી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોચનું પોતાના પદ પરથી રાજીનામું પાકિસ્તાન ટીમ માટે મોંઘુ સાબિત થઈ શકે છે. પાકિસ્તાન ટીમના બીજા કોચે ૭ મહિનામાં રાજીનામું આપી દીધું છે.
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. બીજી ટેસ્ટ ૩ થી ૭ જાન્યુઆરી દરમિયાન કેપટાઉનના ન્યૂલેન્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાકિસ્તાનની પુરૂષ ટીમ હાલમાં ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી રમી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જે પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે.