પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ ફોર્મેટમાં યોજવાનું નક્કી કર્યું છે કારણ કે ભારતે ક્રોસ બોર્ડર મુસાફરીની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે પીસીબીમાં જ અસંતોષ ફેલાયો છે. રિપોર્ટ્સ અનુસાર,પીસીબીમાં જ વિવાદ શરૂ થઈ ગયો છે. પાકિસ્તાને જે રીતે નિર્ણય સ્વીકાર્યો છે તેનાથી ઘણા પીસીબી સભ્યો અને અધિકારીઓ નારાજ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ હાઇબ્રિડ મોડલમાં યોજાશે. હવે ભારત તેની મેચો દુબઈમાં રમશે, જ્યારે બાકીની ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન કરશે.
વળતર તરીકે, પાકિસ્તાનને ૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન ભારતને બદલે કોલંબોમાં તેની મેચ રમવાની મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાનને ૨૦૨૭ પછી આઇસીસી મહિલા સ્પર્ધાની યજમાની કરવાનો અધિકાર પણ ફાળવવામાં આવ્યો છે.પીસીબીએ આ ફોર્મ્યુલા સ્વીકારી લેતા,પીસીબીમાં હાઇબ્રિડ મોડલને લઈને લડાઈ શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, કેટલાક સભ્યોએ તેમની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે પીસીબીના વડા મોહસિન નકવીને દૂર ન જવું જાઈએ અને આ પણ આઈસીસીની કોઈ વ્યૂહરચના હોઈ શકે છે.
આ પહેલા પાકિસ્તાનના ઘણા પૂર્વ ક્રિકેટરો તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની રાશિદ લતીફ એવા લોકોમાંના એક છે જે પીસીબી દ્વારા હાઇબ્રિડ મોડલ માટે જે રીતે સંમત થયા તેનાથી નારાજ છે. તેણે કહ્યું કે ૨૦૨૭ પછી મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ ઓફર કરવામાં આવી રહી છે, હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની યજમાની માટે કોઈ વળતર આપવામાં આવ્યું નથી.
આ દરમિયાન બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૨૭ અથવા ૨૦૨૮માં મહિલા વર્લ્ડ કપની યજમાની પાકિસ્તાનને આપવામાં આવશે. બધા કહેશે, ‘વાહ! તે અદ્ભુત છે, ત્યાં એક નહીં પરંતુ બે આઇસીસી સ્પર્ધાઓ (પાકિસ્તાનમાં) હશે. પરંતુ આવી ઘટનાઓનો અર્થ શું છે? આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે ૨૦૨૬માં પાકિસ્તાનની ટીમ ભારતનો પ્રવાસ કરશે અને ભારતીય મહિલા ટીમ ફરીથી પાકિસ્તાન આવશે. બ્રોડકાસ્ટર્સને કોઈ નુકસાન થશે નહીં.
આઇસીસીએ પાકિસ્તાનને જે આપ્યું તે લોલીપોપ છે, કે જા તમે આ માટે સંમત થાઓ તો લેખિતમાં કંઈપણ માંગશો નહીં અને અમે તમને બીજી આઇસીસી ટૂર્નામેન્ટ આપીશું. આ (પાકિસ્તાન)ને કોઈ લાભ નહીં મળે. તેના બદલે તેઓએ આવતા વર્ષે થનારા એશિયા કપ માટે બોલી લગાવવી જાઈએ. પીસીબીએ આ માટે પૂછવું જાઈએ. પીસીબીને મહિલા વર્લ્ડ કપ કે અંડર-૧૯ વર્લ્ડ કપની યજમાનીનો કોઈ ફાયદો નહીં થાય. પીસીબીએ આ લોલીપોપ સ્વીકારી હોય તો નવાઈની વાત છે.