સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લિ., બગસરા શાખા દ્વારા દાખલ કરવામાં આવેલા ચેક રિટર્ન કેસમાં બગસરા કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી જયંતીભાઈ બાબુભાઈ પાઘડાળ (રહે. વેલંજા, તા. કામરેજ, જિ. સુરત)ને છ માસની સજા અને ચેકની રકમ ભરપાઈ કરવાનો આદેશ કર્યો છે. આરોપી જયંતીભાઈએ મંડળી પાસેથી રૂ.૯૮,૦૦૦ની લોન લીધી હતી અને લોન પેટે ચડત રકમ રૂ.૧,૭૮,૬૯૨ ભરપાઈ કરવા માટે ચેક આપ્યો હતો. પરંતુ, આ ચેક બેંકમાં વટાવવા નાખતા ‘અપૂરતા ફંડ’ના શેરા સાથે પરત ફર્યો હતો. આથી, મંડળીના મંત્રી જયદીપભાઈ બાલુભાઈ હિરપરાએ કાયદેસર નોટિસ પાઠવ્યા બાદ પણ રકમ ન ચૂકવાતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ બગસરા કોર્ટમાં ચાલતા, ફરિયાદી મંડળીના વકીલ પી.ડી. દાંતી (ગઢવી) અને વિશાલ જે. માળવીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને ઉપરોક્ત સજા ફટકારી હતી. આ ચુકાદાથી નાણાકીય વ્યવહારોમાં ચેકની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે.









































