રાજ્યના કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારની મૂશ્કેલી હવે વધી ગઇ છે. ચૂંટણી શપથપત્રમાં ખોટી માહિતી આપવા બદ્દલ અબ્દુલ સત્તાર પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સિલ્લોડ ન્યાયાલયની તપાસમાં આ માહિતી મળી છે. અબ્દુલ સત્તારે ૨૦૧૪ અને ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચને સંપત્તી બાબતે ખોટી માહીતી આપી હોવાનો ખૂલાસો પોલીસ તપાસમાં થયો છે.
એક જ જમીન જે ૨૦૧૪માં ખરીદી હતી તેની કિંમતમાં ૨૦૧૯માં વધારે કિંમત બતાવવામાં આવી હતી. આવી લગભગ ૪ થી ૫ સંપત્તી અંગે આપવામાં આવેલ માહિતીમાં તફાવત હોવાનું ન્યાયાલયની તપાસમાં બહાર આવ્યું હતું. તેથી હવે સિલ્લોડ ન્યાયાલયે આ સંદર્ભે મુકદ્દમો ચલાવવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં સિલ્લોડના સામાજીક કાર્યકર્તા મહેશ શંકરપલ્લીએ ૨૦૨૧માં અરજી કરી હતી. આ બાબતે ન્યાયાલયના આદેશ બાદ પોલીસે તપાસ હાથ ધરતાં આ વિગતો જાણવા મળી હતી.
રાજ્યના કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે ૨૦૧૪ અને ૨૦૧૯માં ચૂંટણી પંચને રજૂ કરેલ શપથ પત્રમાં સંપત્તી બાબતે આપેલ માહિતીમાં તફાવત હોવાનું માન્ય કરી સિલ્લોડના ન્યાયાલયે અબ્દુલ સત્તાર સામે ફોજદારી મુકદ્દમો ચલાવવાનો આદેશ આપ્યો છે. જા આ આક્ષેપ સાબીત થશે તો અબ્દુલ સત્તારનું વિધાનસભ્ય પદ રદ થશે. ઉપરાંત તેઓ ૬ વર્ષ સુધી ચૂંટણી લઢવા માટે પણ અયોગ્ય ઠરશે.
ઉલ્લેખનીય છે કે મહેશ શંકરપલ્લી અને ડો. અભિષેક હરિદાસે આ બાબતે ૨૭મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ ન્યાયાલયે પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. જાકે આ બાબતે સમાધાન ન થતાં શંકરપલ્લીએ બે વાર ન્યાયાલયમાં દોટ મૂકી હતી. ત્રીજીવાર ન્યાયાલય દ્વારા સઘન તપાસનો આદેશ આપવામાં આવ્યો. સત્તારનો જવાબ પણ નોંધવામાં આવ્યો. ૧૧મી જુલાઇના રોજ ન્યાયાધીશ મીનાક્ષી ધનરાજે સત્તાર સામે પ્રથમદર્શી પુરાવા હોવાનું માન્ય કરી તેમની સામે ફોજદારી મુકદ્દમો ચલાવવાનો આદેશ આપ્યો છે.