ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને હજુ થોડા જ કલાકો વીત્યા છે ત્યાં તો રાજકોટમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઊડતા હોવાની ઘટના સામે આવી છે. શહેરના હાર્દ સમા અને સેન્ટર પોઇન્ટ કહેવાતા યાજ્ઞિક રોડ પર કોઈ અજોણ્યા શખસની દારૂ ભરેલી બેગ પડી ગઈ હતી. એ સમયે સ્થાનિકોને બેગમાં દારૂ છે એવી જોણ થતાં ગણતરીની સેકન્ડમાં ટોળું એકત્ર થઈ ગયું હતું અને દારૂની બોટલો લેવા માટે પડાપડી થઈ હતી. જોકે એ સમયે પોલીસના આગમનનો અણસાર આવી જતાં તરત ટોળું બેગની આસપાસથી ખસી ગયું હતું. ઉપસ્થિત ટોળાએ બેગમાંથી લઈ શકાય એટલી દારૂની બોટલો લઈને ત્યાંથી નાસી જવાનું જ યોગ્ય સમજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને હાલ એ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો છે, પરંતુ એ નિયમો કે કાયદાનો અમલ ન થતો હોય તેવી ઘટનાઓ અનેક વાર સામે આવી છે. રાજકોટમાં ફરી દારૂબંધીના કાયદાનો સરેઆમ ભંગ થયો છે. એક તરફ તંત્ર દ્વારા ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાની વાતો કરવામાં આવી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યા હતા. રાજકોટના હાર્દ સમા વિસ્તાર યાજ્ઞિક રોડ પર આ પ્રકારે દારૂ ભરેલી બેગ મળી આવતાં અનેક પ્રકારના તર્ક શરૂ થયા છે.
ઉલ્લેખનીય છે કે યાજ્ઞિક રોડ પર સિટી બસનું બસ સ્ટોપ આવેલું છે. ત્યાંથી રાજકોટિયન્સ મોટી સંખ્યામાં સિટી બસમાં પરિવહન કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓને તેમની શાળા-કોલેજેજવા માટે યાજ્ઞિક રોડ પરથી જ સિટી બસ મળી રહે છે. આટલી મોટી સંખ્યામાં જે વિસ્તારમાં લોકો ઉપસ્થિત હોય ત્યાં ચૂંટણીના બીજો જ દિવસે દારૂ ભરેલી બેગ મળતાં પોલીસતંત્ર પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે આ મામલે હાલ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.
નોંધનીય છે કે આજથી ૪ મહિના પૂર્વે બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી ૨૪ લોકોનાં મોત હતાં. એ સમયે રાજકોટમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું અને રંગીલા શહેર રાજકોટમાં ગેરકાયદે રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થઈ હતી. થોરાળા પોલીસ સ્ટેશનથી નજીક આવેલા કુબલિયા પરામાં વિસ્તારમાં દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં પોલીસના ભય વગર દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા હતા. અને ત્યાં હજ્જારો લિટર દેશી દારૂ પણ મળ્યો હતો.
જ્યારે આજથી ૮ મહિના પહેલાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિવાદમાં આવી હતી, જેમાં ખુદ પોલીસ દારૂ-બિયર વેચવા આપી જતી હોવાનું કહેતા બૂટલેગરનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બૂટલેગર પોલીસકર્મીઓનાં નામ પણ જણાવી રહ્યો છે. જોકે આ વીડિયો ક્યારનો છે? અને કેટલી સચ્ચાઈ છે એ તો તપાસનો વિષય છે, પરંતુ વીડિયો સામે આવતાં ફરી એકવાર પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊઠ્‌યા હતા.
આ ઉપરાંત એ જ સમયે બે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા, જેમાં એક યુવાન જીજે-૦૩-એલએમ-૩૫૧૨ નંબરનું એક્ટિવવા લઇ જોમનગર રોડ નજીક એક ખુલ્લા મેદાનમાં ઊભો હતો અને એક્ટિવવાની ડેકીમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી નજરે પડતી હતી. પોલીસના ડર વગર યુવાન બિનધાસ્ત રીતે ડેકી ખુલ્લી રાખી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતો હતો.