પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પછી તેમની પાર્ટીને સામેલ કર્યા વિના સરકારની રચના શક્ય નહીં બને. મંગળવારે શ્રીનગરમાં પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યકરોને સંબોધતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ માત્ર સત્તા અને મંત્રી પદ મેળવવા માટે ગઠબંધન કરે છે. તેઓ ૧૯૪૭ થી આ કરી રહ્યા છે. આ સિવાય તેમનું બીજું કોઈ લક્ષ્ય નથી.
મહેબૂબાએ કહ્યું કે પીડીપી એક એજન્ડા માટે ચૂંટણી લડવા માંગે છે. અમે ૨૦૦૨માં માત્ર ૧૬ ધારાસભ્યો સાથે સરકાર બનાવી હતી. તેમણે કહ્યું કે પીડીપી તેના એજન્ડાને લાગુ કરવા પર વધુ અને સરકાર બનાવવા પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે. પીડીપીએ ૨૦૧૫માં ભાજપ સાથે ગઠબંધન સરકાર બનાવી હતી, પરંતુ આ વખતે તેણે ચૂંટણી પછી ભગવા પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો હતો. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, પાર્ટીએ કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. આજે આ માટે કોઈ અવકાશ જણાતો નથી, કારણ કે ભાજપે તે દિશામાં તમામ પ્રયાસો ખોરવી નાખ્યા છે.
એનસીના પૂર્વ નેતા દેવેન્દ્ર સિંહ રાણાની ટિપ્પણી અંગે કે એનસી ૨૦૧૪માં ભાજપ સાથે સરકાર બનાવવા માંગતી હતી. આના પર, પીડીપીના વડાએ કહ્યું કે તેમની પાર્ટીએ જે પણ કર્યું છે તે એનસીથી વિપરીત ખુલ્લેઆમ કરવામાં આવ્યું છે, જે ગુપ્ત રીતે કામ કરે છે. જ્યારે અમે રામમાધવ દ્વારા ભાજપ સાથે નહીં પરંતુ કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા હતા ત્યારે બધાને ખબર હતી કે આ ખુલ્લેઆમ કરવામાં આવ્યું છે. અમે એક એજન્ડા લઈને આવ્યા અને તેનો અમલ કર્યો. અમે ઓમર અબ્દુલ્લાની જેમ છૂપી રીતે નથી કર્યું. પીડીપીનો ભાજપ સાથે કોઈ સંપર્ક નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આજની જમ્મુ-કાશ્મીરની મુલાકાતને લઈને મુફ્તીએ કહ્યું કે તેમનું સ્વાગત છે. તે પોતાની પાર્ટીના પ્રચાર માટે કાશ્મીર આવવા માંગે છે, તેને આમ કરવાનો પૂરો અધિકાર છે.