ચૂંટણી પંચે એસઆઇઆર અંગે પશ્ચિમ બંગાળ સરકારને કડક સૂચનાઓ જારી કરી છે. કમિશને મુખ્ય સચિવને સૂચના આપી છે કે રાજ્ય સરકાર કમિશનની મંજૂરી વિના એસઆઇઆર પ્રક્રિયામાં સામેલ કોઈપણ અધિકારીની બદલી કરશે નહીં. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ લખેલા પત્ર દ્વારા પંચે પશ્ચિમ બંગાળમાં એસઆઇઆરની જાહેરાત કરી હતી. આ પત્રના ફકરા ૪ માં, અન્ય બાબતોની સાથે, એવી જાગવાઈ છે કે એસઆઇઆર સમયગાળા દરમિયાન, મુખ્ય સચિવોએ ખાતરી કરવી જાઈએ કે એસઆઇઆર પ્રક્રિયામાં સામેલ કોઈપણ અધિકારીની કમિશનની પૂર્વ મંજૂરી વિના બદલી ન થાય.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તે તેમને એ પણ જણાવવા માંગે છે કે કમિશને ૨૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ લખેલા પત્ર દ્વારા ૧૨ મતદાર યાદી નિરીક્ષકો અને પાંચ વિભાગીય કમિશનરોની નિમણૂક કરી છે. આ અધિકારીઓ એસઆઇઆર માટે ચૂંટણી પંચમાં પ્રતિનિયુકિત પર છે.
કમિશનને જાણવા મળ્યું છે કે બંગાળ સરકારે ૧ ડિસેમ્બર, ૨૦૨૫, ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ અને ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ જાહેરનામા દ્વારા આઇએએસ અશ્વિની કુમાર યાદવ (ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર માટે ચૂંટણી યાદી નિરીક્ષક),આઇએએસ રણધીર કુમાર (ઉત્તર ૨૪ પરગણા અને કોલકાતા ઉત્તર માટે ચૂંટણી યાદી નિરીક્ષક) અને આઇએએસ સ્મિત પાંડે (પશ્ચિમ બર્ધમાન, પૂર્વ બર્ધમાન અને બીરભૂમ માટે ચૂંટણી યાદી નિરીક્ષક) ની વિભાગીય બદલી/પોઇન્ટીંગ આદેશ આપ્યો છે.
કમિશને વધુમાં જણાવ્યું હતું કે આ અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર ચૂંટણી પંચની પૂર્વ સંમતિ વિના જારી કરવામાં આવ્યા છે, જે ઉપરોક્ત ઉલ્લેખિત કમિશનની સૂચનાઓનું ઉલ્લંઘન છે. આને ધ્યાનમાં રાખીને, ટ્રાન્સફર ઓર્ડર તાત્કાલિક રદ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. વધુમાં વિનંતી કરવામાં આવે છે કે ભવિષ્યમાં આવા ઓર્ડર જારી કરતા પહેલા કમિશનની સંમતિ લેવામાં આવે.
બંગાળમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારાનો વિરોધ કર્યા પછી, મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે દિલ્હીમાં ચૂંટણી પંચ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હીની તેમની મુલાકાતનો હેતુ રાજ્યમાં એસઆઇઆર અંગે ચૂંટણી પંચ સામેના તેમના વિરોધને વધુ તીવ્ર બનાવવાનો છે.









































