ચુડા સીમ વિસ્તારમાં ખેત મજુરી કરવા આવેલા પરિવારની ૧૨ વર્ષની સગીરા ઉપર ૨ હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ પિડીતાને સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. બન્ને હવસખોરો સામે પંથકના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
દાહોદ જિલ્લાના લીંબખેડા ગામનો પરિવાર ચુડા ગામે ખેત મજૂરી કામ કરી પેટયું રળવા આવ્યો હતો. આ પરિવારની ૧૨ વર્ષ, ૩ માસ અને ૩ દિવસની સગીરાને બાજુના ખેતરમાં કામ કરતા સંજય રમન માલોર અને રાજુ સરતન આંબલીયા લલચાવી ફોસલાવીને બહાર લઈ ગયા હતા. જયાં જઈને બન્ને હવસખોરોએ સગીરા ઉપર દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ આચરીને બન્ને હવસખોરો ભાગી ગયા હતા. સગીરાએ બનાવ અંગે પરિવારને જાણ કરી હતી. વજ્રઘાત સમાન બનેલા દુષ્કર્મના બનાવથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યો હતો. પરિવારજનોએ દુષ્કર્મ પિડીતાને સારવાર માટે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી.
૧૨ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કરાયું હોવાની વાત પંથકમાં ફેલાતા ચકચાર મચી જવા પામી હતી. પંથકના લોકોએ બન્ને હવસખોરો સામે ફિટકાર વરસાવ્યો હતો. સગીરાની માતાએ બન્ને હવસખોર સંજય માલોર અને રાજુ આંબલીયા વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એસ.જે.દવે ચલાવી રહ્યા છે.