આપણી ગુજરાતીમાં ચીનનો શાહુકાર શબ્દ છે. તેનો અર્થ ઠગ, લુચ્ચો, ધૂર્ત, દગાખોર, શઠ અને લીધા પછી પાછુ ન આપનાર થાય છે. કોઈ એવી વ્યક્તિ જેની ફિતરત અન્યોને છેતરવાની રહેતી હોય, દગાખોરી જેનો સ્વભાવ હોય એવી વ્યક્તિ માટે આ વિશેષણ વાપરવામાં આવે છે. ચીન દેશને આ ઉપનામ સાથે જોડવાનું કારણ એ દેશની ફિતરત છે. ચીનના બધા પાડોશી દેશોને તેના શાહુકાર સ્વભાવનો ઓછો વત્તો અનુભવ થયેલો છે. પાકિસ્તાન સિવાય લગભગ બધા પાડોશી દેશો સાથે ચીનને સરહદોના વિવાદ ચાલે છે. પાકિસ્તાન સાથે વિવાદ નથી કારણ કે પાકિસ્તાન ઓલરેડી ચીનના ઘૂંટણીયે પડી ગયેલું છે અને આખા વિશ્વ સમક્ષ ચીનના ખીલે કુદીને પંગા લઇ રહ્યું છે. ભારત સિવાય ચીન સરહદ કુલ ૧૩ દેશોને સ્પર્શે છે. અફઘાનિસ્તાન, ભુતાન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગીઝસ્તાન, લાઓસ, માન્ગોલિયા, મ્યાનમાર, નેપાલ, નાર્થ કોરિયા, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને વિયેટનામ. જોકે નવાઈની વાત એ છે ચીનને સીમાવિવાદ માત્ર ૧૪ દેશો સાથે નથી, પણ ૨૧ દેશો સાથે છે. એ સિવાય ઘણા દેશો ચીનના દેવાની જાળમાં ફસાઇ ચુકેલા છે. શ્રીલંકા, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા એશિયાના દેશો તેમ જ જિબૂતી અને લિથુઆનિયા જેવા આફ્રિકન-યુરેશિયાના દેશોનો આ યાદીમાં સમાવેશ થાય છે. ચીન પોતાની કંપનીઓ મારફત બીજા દેશો ખાસ કરીને નાના દેશોની સરકાર પર નિયંત્રણ રાખવા લાગ્યું છે. અમેરિકાની વિલિયમ એન્ડ મેરી યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એન્ડ ડેટાના રિપોર્ટ પ્રમાણે, ચીને વિકાસશીલ દેશોને જે લોન આપી છે એની અડધાથી વધારે રકમ તો ‘હિડન ડેટ’ એટલે કે સંતાડેલા દેવા તરીકે દર્શાવવામાં આવી છે જેના સત્તાવાર આંકડા દર્શાવાયા નથી. ઓગણીસમી સદીના ઉતરાર્ધ સુધી નબળો ગણાતો આ દેશ આજે રાક્ષસી તાકાત અને મિજાજ ધરાવે છે. જાપાન સામે વિસ્તારવાદી નીતિનો અનુભવ કરી ચૂકેલ ચીન આજે દુનિયાનો સૌથી ક્રૂર અને કટ્ટર વિસ્તારવાદી દેશ છે.
૧૯૨૭ ની બ્રસેલ્સ પરિષદ દરમિયાન બહાર પાડવામાં આવેલી સંયુક્ત પત્રિકા એવું કહેતી હતી કે પશ્ચિમનો સામ્રાજ્યવાદ રોકવા ભારત અને ચીનનો સહયોગ જરૂરી છે. ૧૯૩૧માં જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું ત્યારે ચીન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે ભારતમાં ‘ચીન-દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ભારતે જાપાની સામાનનો બહિષ્કાર કરવાની ચળવળો શરૂ કરી હતી. ૧૯૩૭માં જ્યારે ચીન-જાપાન યુદ્ધ શરૂ થયું ત્યારે ભારતે માર્શલ ઝુ-ડીની વિનંતી પર ભારતે ચીનમાં તબીબી મિશન મોકલીને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ૧૯૩૯ની નહેરુની ચીન મુલાકાત દરમિયાન તેમને ભારત-ચીન સંબંધને ‘અવિનાશી સંબંધ’ તરીકે વર્ણવ્યો હતો. નહેરુ તેમના ભાષણોમાં ‘ઈસ્ટર્ન યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ ચાઈના’ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા. ચીનના વડાપ્રધાન ઝોઉ એનલાઈએ ૧૯૬૦માં ભારતની મુલાકાત લીધી તો ભારત દ્વારા “હિન્દી ચીની ભાઈ ભાઈ” ના નારાને જોરશોરથી ગાવા વગાડવામાં આવ્યો હતો. આ ભારત ચીનના સારા સબંધો માટે કરવામાં આવેલા પ્રયત્નોની એક નાની યાદી છે. જે તે સમયે ભારતે ચીન સાટું લગભગ દુનિયાના બધા દેશોની ખફગી વહોરી લીધી હતી. ચીનના વડાપ્રધાનની ભારત મુલાકાત અને હિન્દી ચીની ભાઈ ભાઈના નારા લગાવાયા બાદ માત્ર બે વર્ષ બાદ જ ચીને ભારત પર આક્રમણ કરી દીધું હતું. આ છે ચીનનો મૂળભૂત સ્વભાવ. કોરોના બાદ વિશ્વના વિકસિત દેશો દ્વારા ચાઈના પ્લસ વનની થીયરી અપનાવવામાં આવી રહી છે. આ નીતિ અંતર્ગત દરેક મોરચે ચીન ઉપરાંત વિકલ્પ તરીકે અન્ય બીજા દેશને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઉદ્યોગ હોય, રાજદ્વારી સબંધો હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર, વિશ્વ ચીન પર સંપૂર્ણ ભરોસો નથી કરી રહ્યું. સેકન્ડ ઓપ્શન તરીકે એક બીજા દેશને તૈયાર કરવાની નીતિ અખત્યાર થઇ ચૂકી છે. ચીનનો આજે વિશ્વ પાસે સંપૂર્ણ વિકલ્પ નથી, એટલે ચીનનો સંપૂર્ણ બહિષ્કાર કોઈપણ દેશ કે આંતરરાષ્ટ્રીય સંગઠન માટે શક્ય નથી. કારણકે દુનિયાના દેશોના બજારો ચાઇનીઝ વસ્તુઓથી છલકાઈ રહ્યા છે. ઉત્પાદન ક્ષેત્રે રાક્ષસી પ્રગતિ કરીને ચીને વિશ્વના પ્રચલિત અને મોટા બજારોમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. દુનિયાના કોઈ દેશને ચીનના માલ વિના ચાલે તેમ નથી એ નગ્ન હકીકત છે. અમેરિકા જેવા સુપરપાવર દેશના મોલ ચાઇનીઝ પ્રોડક્ટ વિના ખાલી થઇ જાય તેમ છે. ભારત ચીનના આયાત નિકાસના આંકડાઓમાં ચીનનું પલ્લું અનેકગણું નમતું રહ્યું છે. જંગી અને સસ્તું ઉત્પાદન ચીનની મોનોપોલી છે. ખુબ લાંબી અને દુર્ગમ સરહદ અને ચીનની લશ્કરી તાકાત તેમજ વિસ્તારવાદી અભિગમને અનુલક્ષીને ભારત ચીનને ક્યારેય અવગણી શકે તેમ નથી. દેશમાં નરેન્દ્ર મોદીનું શાસન આવ્યા બાદ વિદેશનીતિને ખુબ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, એનું જ કારણ છે આજે ભારત વિશ્વમાં એક ઉભરતી તાકાત તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યું છે. બંને દેશોના સબંધોમાં વચ્ચે થોડો કાલખંડ થીજી ગયેલો રહ્યો હતો. એ સરહદ પર ચીનની ગતિવિધિઓનો ભારત તરફથી લગભગ કોઈ પ્રતિકાર નહોતો. ગલવાન અને ડોક્લામમાં ભારતે અખત્યાર કરેલા આક્રમક પ્રતિકારથી ચીનને ભારતના નવા મિજાજનો પરચો મળી ગયો. ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ જે ભૂલ કરી એનું પરિણામ તો ત્યારે જ તેમને મળી ગયું પરંતુ, એ ભૂલ સુધારવાનો પ્રયાસ ચીને આજે ચાર વર્ષ પછી કર્યો છે. ભારતની આક્રમક કાર્યવાહીથી ચીન પૂર્વી લદ્દાખમાં ૨૦૨૦ પહેલાની સ્થિતિમાં જાળવી રાખવા માટે તૈયાર થયું છે. એટલું જ નહીં ભારત સાથે તમામ વિવાદનો અંત આવ્યાનું પણ ખુદ ચીને જ સ્વીકાર્યું છે.
હાલ તબક્કે ભારતના સરહદી પ્રતિકાર અને વિદેશનીતિની ચીનના મોરચે જીત થઇ છે. ઉપર લખ્યો એ ઈતિહાસ બહુ જુનો નથી. દગાખોર માણસનું સ્મિત સૌથી વધુ મધુર હોય છે.
ક્વિક નોટ = એક સોશ્યલ મીડિયા સમાચાર અનુસાર પાકિસ્તાનમાં પુસ્તકમેળો યોજાયો, જ્યાં કુલ ૩૫ પુસ્તકો વેચાયા અને ૮૦૦ પ્લેટ બિરિયાની વેચાઈ ગઈ… જો કે પાકિસ્તાની સરકારે આની પુષ્ટિ નથી કરી.