હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા આ કામ ચીને કર્યું છે. પોતાના દેશમાં ઉઈગર મુસલમાનો પર અત્યાચાર ગુજોરનાર ચીન હવે ભારતના પયગંબર વિવાદમાં કુદી પડ્યું છે અને ડાહી ડાહી વાતો કરી રહ્યું છે. ચીને કહ્યું કે દરેકે એકબીજોના ધર્મનું સન્માન કરવું જોઇએ. જોકે ભારત સરકારે તો આ પહેલાં જ નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા પછી કહ્યું જ હતું કે, ભારત બધા ધર્મોનું સન્માન કરે છે.
પયગંબર મોહમ્મદ પર ભાજપના બે ભૂતપૂર્વ નેતાઓ દ્વારા કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ચાલી રહેલા વિવાદમાં ચીન પણ કૂદી પડ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આ ઘટનાનો યોગ્ય રીતે ઉકેલ આવી શકે તેમ છે. ચીને કહ્યું કે તે માને છે કે, અલગ-અલગ સભ્યતાઓ, અલગ-અલગ ધર્મોએ એકબીજોનું સન્માન કરવું જોઈએ અને એક જ સ્તર પર સાથે રહેવું જોઈએ.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ સામે વિરોધ પ્રદર્શન વિશે ચીનના સરકારી મીડિયા દ્રારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે, અમે સંબંધિત સમાચારની તપાસ કરી છે. અમે આશા રાખીએ છીએ કે, સંબંધિત ઘટનાનો યોગ્ય રીતે નિકાલ થઇ શકે તેમ છે. તેમણે કહ્યું કે, અહંકાર અને પૂર્વગ્રહથી દૂર રહેવું મહ¥વપૂર્ણ છે અને દરેકે એકબીજોના ધર્મોનું સન્માન કરવું જોઈએ.
ભાજપે ૫ જૂને તેના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેના દિલ્હી એકમના મીડિયા ચીફ નવીન કુમાર જિંદલને પયગંબર મોહમ્મદ વિશેની કથિત ટિપ્પણી બદલ હાંકી કાઢ્યા હતા. ટિપ્પણી પર મુસ્લીમ જૂથોના વિરોધ વચ્ચે, પાર્ટીએ લઘુમતીઓની ચિંતાઓને દૂર કરવાના હેતુથી એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહ્યું હતું કે, તે તમામ ધર્મોનું સન્માન કરે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે.
ચીન તેના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લીમો વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહીના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યું છે. જોકે, ચીન આ આરોપોને નકારી રહ્યું છે. ચીન તેમને રોજગાર તાલીમ તરીકે કહે છે, પરંતુ આ શિબિરોમાંથી ભાગી ગયેલા લોકોએ ચીનની બર્બરતાની વાર્તા કહી છે. ચીન આ લોકો પાસે બંધુઆ મજૂરીની જેમ કામ કરાવે છે.