અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ટેરિફ વધારવાના નામે ભારતને ધમકી આપી રહ્યા હતા, જેનો ભારત સરકારે યોગ્ય જવાબ આપ્યો છે અને તેમને અરીસો બતાવ્યો છે કે તેમણે પહેલા પોતાની જાતને જોવી જોઈએ. યુરોપિયન યુનિયનનો રશિયા સાથે ૬૭.૫ બિલિયન યુરોનો વેપાર છે. દરમિયાન, કોંગ્રેસે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે કહ્યું, ‘વર્ષોથી વડા પ્રધાન દાવો કરી રહ્યા છે કે તેમની અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ખાસ સંબંધ છે. આ મિત્રતા ખૂબ જ મોંઘી સાબિત થઈ. વિદેશ મંત્રાલયે હવે એક નિવેદન બહાર પાડ્યું છે, પરંતુ તે સ્પષ્ટ છે કે અમેરિકા સાથેના આપણા સંબંધો બગડ્યા છે. આજે,સીએપી એટલે કે ચીન, અમેરિકા અને પાકિસ્તાન આપણા માટે એક પડકાર બની ગયા છે.’
તેમણે કહ્યું, ‘એક ખૂબ જ લોકપ્રિય ગીત ‘દોસ્ત દોસ્ત ના રહા’ છે. વડા પ્રધાનને પણ આ ગીત ખબર હોવી જાઈએ. ‘દોસ્ત દોસ્ત ના રહા, ટ્રમ્પ યાર હમેં તેરા ઐતબાર ના રહા’. તેમણે ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમોનું આયોજન કર્યું. તેમણે કહ્યું “અબકી બાર ટ્રમ્પ સરકાર”. ફોટા લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમારા વિદેશ મંત્રી આગળની હરોળમાં બેઠા હતા.’
જયરામ રમેશે કહ્યું, ‘એવો દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ખાસ સંબંધ છે, તેઓ જૂના મિત્રો છે… આનું પરિણામ શું આવ્યું? ટેરિફ વધારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ મિત્રતા ખૂબ મોંઘી સાબિત થઈ. વડા પ્રધાને જવાબ આપવો જોઈએ. વર્ષોથી, તેઓ દાવો કરી રહ્યા છે કે તેમના અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ખાસ સંબંધ છે, તેઓ ગળે મળે છે, ફોટા પાડે છે, વાત કરે છે. અગાઉ તેમણે (રાષ્ટ્રપતિ ટ્રમ્પ) મધ્યસ્થી વિશે વાત કરી હતી કે તેમણે યુદ્ધવિરામ કરાવ્યો. તેમણે આ વાત ૩૨-૩૩ વાર કહી. વડા પ્રધાને આ અંગે કંઈ કહ્યું નહીં. વિદેશ મંત્રાલયે હવે એક નિવેદન બહાર પાડ્યું છે, પરંતુ તે સ્પષ્ટ છે કે અમેરિકા સાથેના અમારા સંબંધો બગડ્યા છે.’









































