પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બુધવારે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને અફઘાનિસ્તાન સુધી લંબાવવા સંમત થયા. ઇસ્લામાબાદમાં વિદેશ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન/વિદેશ પ્રધાન ઇશાક ડાર, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી વચ્ચે બેઇજિંગમાં થયેલી અનૌપચારિક ત્રિપક્ષીય બેઠક બાદ સીપીઇસી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, પાકિસ્તાનના વિદેશ પ્રધાન પ્રથમ ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો માટે બેઇજિંગની ત્રણ દિવસની મુલાકાતે છે. બેઠક બાદ ઇશાક દારે કહ્યું કે, પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે સાથે ઉભા છે. તેમણે ત્રણેય નેતાઓનો એક સાથેનો ફોટો પણ શેર કર્યો.
પાકિસ્તાન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, “તેઓએ રાજદ્વારી જાડાણ વધારવા, સંદેશાવ્યવહારને મજબૂત બનાવવા અને વેપાર, માળખાગત સુવિધાઓ અને વિકાસને સહિયારી સમૃદ્ધિના મુખ્ય પરિબળો તરીકે પ્રોત્સાહન આપવા માટે વ્યવહારુ પગલાં લેવા અંગે ચર્ચા કરી.” તેઓ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ સહયોગને વધુ ગાઢ બનાવવા અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને અફઘાનિસ્તાન સુધી વિસ્તારવા સંમત થયા, એમ તેમાં જણાવાયું છે.
ભારતે ૬૦ બિલિયન યુએસ ડોલરના સીપીઇસીના નિર્માણનો વિરોધ કર્યો છે કારણ કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. નિવેદનમાં જણાવાયું છે કે વિદેશ મંત્રીઓની છઠ્ઠી ત્રિપક્ષીય બેઠક ટૂંક સમયમાં કાબુલમાં પરસ્પર અનુકૂળ તારીખે યોજાશે તે અંગે સંમતિ સધાઈ હતી.









































