પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ કારાકોરમ પઠાર પાસે આ સપાટીથી હવામાં પ્રહાર કરનાર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. શિન્હુઆના જણાવ્યા અનુસાર, ચીની સેનાએ ૨૯ ઓગસ્ટે આ મિસાઈલ પરીક્ષણ કર્યું હતું.
વિશ્લેષકોના મતે ચીન મિસાઈલને તોડી પાડવાના આ પરીક્ષણ દ્વારા ભારતને મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ફુડાન યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેક્ટર લિન મિનવાંગે કહ્યું કે સરહદને લઈને ભારતની માંગણીઓ સ્વીકારવી ચીન માટે મુશ્કેલ છે. જા કે બંને દેશો સરહદ વિવાદને ઉકેલવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
લિન મિનવાંગનું કહેવું છે કે આ પરીક્ષણ દ્વારા ચીન ભારતને બતાવવા માંગે છે કે તેની પાસે ભારતની મિસાઈલને તોડી પાડવાની ક્ષમતા છે. એવું માનવામાં આવે છે કે ચીને ભારતની બ્રહ્મોસ મિસાઈલના જાખમને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ કર્યું છે.
રિપોર્ટ અનુસાર આ ટેસ્ટમાં ચીની સેનાએ સબસોનિક ક્રૂઝ મિસાઈલને સફળતાપૂર્વક તોડી પાડી હતી. મિસાઈલને ૧૭,૩૯૦ ફૂટની ઉંચાઈ પર પરીક્ષણ દરમિયાન તોડી પાડવામાં આવી હતી.
ચીની મીડિયાના અહેવાલો અનુસાર, આ મિસાઈલ પરીક્ષણ એ જ દિવસે કરવામાં આવ્યું હતું જ્યારે ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદના ઉકેલ માટે બેઈજિંગમાં ૩૧મી બેઠક યોજાઈ રહી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વાતચીતને પ્રોત્સાહન આપવા અને શાંતિ જાળવવા માટે સમજૂતી થઈ હતી.
સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં રશિયામાં બ્રિક્સ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. માનવામાં આવે છે કે રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ શકે છે. તે જ સમયે, ચીનના આ અહંકારથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે.