અમેરિકાએ પહેલગામ હુમલાના આતંકવાદીઓને વૈશ્વીક આતંકવાદી સંગઠન જાહેર કર્યા બાદ પાકિસ્તાન ગુસ્સે છે. એક દિવસ પહેલા જ અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ ને વૈશ્વીક આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. તે જ સમયે, ચીને પણ અમેરિકાના આ પગલાને યોગ્ય ઠેરવ્યું છે. આનાથી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ટ્રમ્પ સાથે લંચ કરનારા પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરને પણ મોટો ફટકો પડ્યો છે.
અમેરિકાના આ પગલા બાદ, પાકિસ્તાને લશ્કર સાથે ટીઆરએફના જોડાણનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે તેના દેશમાં હાજર આતંકવાદી નેટવર્કને સફળતાપૂર્વક તોડી પાડ્યું છે. આ સાથે, તેણે પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાને લશ્કર-એ-તૈયબા સાથે જોડવાના કોઈપણ પ્રયાસને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “પાકિસ્તાને સંબંધિત આતંકવાદી સંગઠનોના નેટવર્કને વ્યાપકપણે તોડી પાડ્યું છે. તેમના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.” પાકિસ્તાનને અમેરિકા પાસેથી કડક કાર્યવાહીની અપેક્ષા નહોતી.
ટ્રમ્પ સાથે લંચ કર્યા પછી, પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરને પણ અપેક્ષા નહોતી કે ટ્રમ્પ તેમની સામે આટલી કડક કાર્યવાહી કરી શકે છે. પરંતુ હવે પાકિસ્તાન અમેરિકાના આ નિર્ણયથી નારાજ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે “પહલગામ આતંકવાદી હુમલાની તપાસ હજુ પણ અનિર્ણિત છે અને તેને કોઈપણ નિસક્રિય અને પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાડવી એ હકીકતોની વિરુદ્ધ છે.” વિદેશ કાર્યાલયે અમેરિકાના નિર્ણય પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, પરંતુ તેણે સંકેત આપ્યો હતો કે પાકિસ્તાન આતંકવાદ સામેની લડાઈ માટે પ્રતિબદ્ધ છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિશામાં ઘણા પગલાં લીધા છે.
ચીને પણ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે અમેરિકાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, ચીને ટીઆરએફ પર અમેરિકાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. આનાથી પાકિસ્તાનની બાકી રહેલી આશાઓ પર પણ પાણી ફરી ગયું છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ને “વિદેશી આતંકવાદી સંગઠન” અને “ખાસ રીતે નિયુક્ત વૈશ્વીક આતંકવાદી સંગઠન” તરીકે જાહેર કરવા અંગે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું, “ચીન તમામ પ્રકારના આતંકવાદનો સખત વિરોધ કરે છે અને ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. ચીન પ્રાદેશિક દેશોને આતંકવાદ વિરોધી સહયોગ વધારવા અને સંયુક્ત રીતે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા જાળવવા હાકલ કરે છે.” સ્વાભાવિક છે કે, આ નિવેદન સાથે, ચીને એક રીતે અમેરિકાના પગલાને યોગ્ય ઠેરવ્યું છે અને પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો છે. આનાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે.








































