ચીનમાં આજકાલ સામૂહિક હુમલાની ઘટનાઓ વધી રહી છે. હવે અહીંના સૌથી મોટા શહેર શાંઘાઈના એક સુપરમાર્કેટમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ લોકો પર ચાકુ વડે હુમલો કરી ત્રણની હત્યા કરી નાખી. ૧૫ લોકો ઘાયલ પણ થયા છે.
ચીનના ૭૫માં રાષ્ટ્રીય દિવસની પૂર્વ સંધ્યાએ શાંઘાઈમાં આ ઘટના બની હતી. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે ૯.૪૭ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. માહિતી મળતા જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં ૩૭ વર્ષનો હુમલાખોર લોકો પર ચાકુ વડે હુમલો કરી રહ્યો હતો. તે તરત જ પકડાઈ ગયો.
સોશિયલ મીડિયા પર છરી લઈને આવેલા એક વ્યક્તિની તસવીરો વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૧૮ પીડિતોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ત્રણના મોત થયા હતા. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
શાંઘાઈ પોલીસના જણાવ્યા અનુસાર લિન અંગત નાણાકીય વિવાદથી પરેશાન હતી. પોતાનો ગુસ્સો કાઢવા માટે તેણે શાંઘાઈ સુપરમાર્કેટ પસંદ કર્યું. નોંધનીય છે કે ચીનમાં નાગરિકો માટે અંગત બંદૂકો રાખવી ગેરકાયદેસર છે. તાજેતરના વર્ષોમાં, કથિત રીતે અસંતુષ્ટ અથવા માનસિક રીતે અસ્વસ્થ લોકો દ્વારા છરી વડે હુમલાની ઘણી ઘટનાઓ બની છે.
છેલ્લી રાતનો હુમલો એવા સમયે થયો છે જ્યારે ચીન મંગળવારે એક અઠવાડિયાની રજા સાથે તેનો ૭૫મો રાષ્ટ્રીય દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. મે મહિનામાં ચીનના યુનાન પ્રાંતની એક હોસ્પિટલમાં છરી વડે હુમલામાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ૨૧ લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં, માનસિક બીમારીથી પીડિત એક વ્યક્તિએ યુનાનના રહેણાંક જિલ્લામાં લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા.