અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે-ધીમે પોતાની ટીમ બનાવવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં તેમણે માઈક વોલ્ટ્ઝને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. એનએસએ બનવાની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ કાશ પટેલનું નામ એનએસએ બનવાની રેસમાં હતું.
વોલ્ટ્ઝ,યુએસ સેનેટમાં ઇન્ડિયા કોકસના વડા રહ્યા છે. તેઓ અમેરિકા માટે મજબૂત સંરક્ષણ વ્યૂહરચનાની હિમાયત કરે છે. તે દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ટ્રમ્પના વચનોના મજબૂત સમર્થક છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં માઈક વોલ્ટ્ઝ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ ૨૦૨૩માં યુએસ મુલાકાત દરમિયાન કેપિટોલ હિલ ખાતેના ઐતિહાસિક ભાષણને ગોઠવવામાં પણ માઈક વોલ્ટ્ઝે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સેનેટના ઇન્ડિયા કોકસમાં કુલ ૪૦ સભ્યો છે. તે ૨૦૦૪માં ન્યૂ યોર્કના તત્કાલિન સેનેટર હિલેરી ક્લીન્ટન અને સેનેટર જ્હોન કોર્નિન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ સેનેટનું સૌથી મોટું કોકસ છે. ૫૦ વર્ષીય માઈક આર્મી નેશનલ ગાર્ડના નિવૃત્ત અધિકારી છે.
તેઓ ત્રણ વખત ફ્લોરિડાનું સંસદમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ ગૃહની સશસ્ત્ર સેવા ઉપસમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ગૃહની વિદેશ બાબતોની સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. માઈકને લશ્કરી અનુભવી તરીકે બહોળો અનુભવ છે. તેમણે વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટીટ્યૂટમાંથી સ્નાતક થયા અને ફ્લોરિડા ગાર્ડમાં જોડાતા પહેલા ચાર વર્ષ આર્મીમાં સેવા આપી છે. તેઓ અફઘાનિસ્તાન, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં યુદ્ધના મોરચે પણ ગયા છે. તેમણે પેન્ટાગોનમાં નીતિ સલાહકાર તરીકે પણ સેવા આપી છે.