ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હજુ લગભગ ૩ વર્ષનો સમય બાકી છે. જો કે તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં વધુ એક નવો પક્ષ પ્રવેશ્યો છે. ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસ (એલજેપી આરવી)એ ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
એલજેપીના રાજ્ય સહ પ્રભારી રામ વિલાસ અને સાંસદ શાંભવી ચૌધરીએ ગુરુવારે પાર્ટીના આયોજન વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે લોક જનશક્તિ પાર્ટી ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોના નામ નક્કી કરવાની તૈયારી કરી રહી છે. સાંસદ શાંભવીએ કહ્યું કે અમે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
એલજેપી સાંસદ રામવિલાસે કહ્યું છે કે પાર્ટીના નેતા ચિરાગ પાસવાન બિહારની જેમ ઉત્તર પ્રદેશમાં પણ રાજકીય ભૂમિકા ભજવવા માંગે છે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય રાજ્યમાં પાર્ટીને નવી ઓળખ આપવાનો છે. અમે અહીં કોઈ પાર્ટીને તોડવા નહીં પરંતુ અમારી ઓળખ બનાવવા અને લોકો સાથે જોડાવા આવ્યા છીએ.સાંસદ શાંભવી ચૌધરીએ કહ્યું છે કે એલજેપી રામવિલાસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં કાર્યકરોનો મજબૂત આધાર બનાવશે અને રાજ્યમાં તેની હાજરી નોંધાવશે. તેમના મતે, પાર્ટી રાજ્યમાં યુવાનોને જોડવા માટે સભ્યપદ અભિયાન ચલાવશે.