કર્ણાટક સરકાર દ્વારા રચાયેલા કમિશને બેંગલુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમને ‘જનતા માટે અયોગ્ય અને અસુરક્ષિત’ જાહેર કર્યું છે. આ પછી, મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ ની કેટલીક મેચો પર સંકટના વાદળો છવાયેલા જાવા મળે છે.
આઇપીએલ ૨૦૨૫નો ખિતાબ આરસીબી ટીમે જીત્યો હતો. આ પછી, ટાઇટલ જીતવાની ઉજવણીમાં જાડાવા માટે સ્ટેડિયમ પાસે એકઠી થયેલી ભીડમાં ભાગદોડ થતાં ૧૧ ચાહકોના
મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ, રાજ્ય સરકારે એક મોટું પગલું ભર્યું અને એક સભ્યના કમિશનની રચના કરી. કમિશનનો રિપોર્ટ તાજેતરમાં રાજ્ય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કર્ણાટક સરકાર દ્વારા નિયુક્ત જસ્ટીસ જાન માઈકલ ડી’કુન્હા કમિશને ચિન્નાસ્વામી સ્ટેડિયમને ‘જનતા માટે અયોગ્ય અને અસુરક્ષિત’ ગણાવ્યું છે, જેના કારણે આ વર્ષના અંતમાં યોજાનારી મહિલા વર્લ્ડ કપ મેચો સહિત કેટલીક મોટી મેચો પર શંકાના વાદળો ઘેરાયા છે.
અહેવાલ મુજબ, કમિશને કહ્યું કે સ્ટેડિયમની ડિઝાઇન અને માળખું મોટી સંખ્યામાં ચાહકો માટે અયોગ્ય અને અસુરક્ષિત છે. આ વર્ષના અંતમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આઇસીસી મહિલા વર્લ્ડ કપની ઓપનિંગ મેચ અને સેમિફાઇનલ યોજાવાની છે. રાજ્ય સરકાર દ્વારા આ ટિપ્પણી સ્વીકારવાથી તે મેચો પર ભારે અસર પડી શકે છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનએ આ વર્ષે મહારાજા ટ્રોફી ટી૨૦ ટુર્નામેન્ટ, જે આવતા મહિને યોજાવાની છે, તે ચાહકો વિના યોજવાનો નિર્ણય લઈ લીધો છે.
કમિશને એવી પણ ભલામણ કરી છે કે સ્ટેડિયમના અધિકારીઓ એવી ટુર્નામેન્ટ્સ ખસેડવાનું વિચારે જે મોટી સંખ્યામાં દર્શકોને આકર્ષિત કરે. આવી ઇવેન્ટ્સ એવી જગ્યાએ યોજવી જાઈએ જે મોટી સંખ્યામાં ચાહકો માટે વધુ યોગ્ય હોય. કમિશને ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ટાળવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. આમાં પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા સુધારવાનો સમાવેશ થાય છે.કમિશને ફરીથી સ્વીકાર્યું કે આ સુધારણા પગલાં પૂર્ણ કર્યા વિના, ‘મોટી ઇવેન્ટ્સ’ વધુ નુકસાન પહોંચાડી શકે છે. તેણે કહ્યું કે જ્યાં સુધી માળખાકીય ફેરફારો કરવામાં ન આવે ત્યાં સુધી, અહીં મોટી ઇવેન્ટ્સ જાહેર સલામતી માટે જાખમ ઊભું કરી શકે છે. કમિશને કેએસસીએ પ્રમુખ રઘુરામ ભટ, હવે રાજીનામું આપેલા સચિવ એ શંકર અને ખજાનચી ઇએસ જયરામ,આરસીબી ઉપપ્રમુખ રાજેશ મેનન,ડીએનએ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સના એમડી ટી વેંકટ વર્ધન અને વીપી સુનિલ માથુર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાનું પણ સૂચન કર્યું છે.









































