તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહ રાવના રાજસ્થાનના જુનજુનુંમાં આવેલા તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઘરની છતથી લઈ માર્ગો સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તેમના સન્માનમાં તિરંગો લહેરાવવામાં આવ્યો, નારા લગાવવામાં આવ્યા…પણ એક આક્રંદે સૌ કોઈને રડાવી દીધા. આ હૈયાફાટ રુદન કુલદીપ સિંહના પત્ની યશ્વિનીનું હતું.
કુલદીપનો પાર્થિવ દેહ દિલ્હીથી એરફોર્સના વિમાનમાં આવ્યો. પત્ની યશ્વિની અને કુલદીપની બહેન પણ સાથે આવ્યા હતા. તેમની પત્ની યશ્વિની સેનાના ટ્રકમાં રાખવામાં આવેલા પાર્થિવ હેદને એક નજરે જાઈ રહ્યા હતા. માતાએ પણ દીકરાની તસવીરને ચુંબન કર્યું અને સેલ્યુટ કરી.
યશ્વિની ચુપ હતા, કંઈ જ બોલતા ન હતા…ચિતાને મુખાગ્નિ આપવામાં આવી અને જય હિંદના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું. યશ્વિની પણ શહીદ પતિને સેલ્યુટ કરતા જય હિંદનો નારો લગાવ્યો હતો, પણ અચાનક જ રડતા અવાજે કહ્યું-I LOVE YOU, કુલદીપ. મૈ તુમ સે બહુત પ્યાર કરતી હું. યશ્વિનીની આ ચીખ દરેકના હૃદયની આરપાર થઈ ગઈ. આજુબાજુ ઉભેલા લોકોએ તેમને સંભાળ્યા, પણ પતિની ચિતા પર યશ્વિનીનું હૈયાફાટ રૂદન ગૂંજતું રહ્યું- કુલદીપ, આઈ લવ યુ.
કુલદીપની માતાએ દીકરાની તસવીરને ચુંબન કર્યું. આંખોમાં આંસુ ભરેલા હતા, પણ દેશ માટે દીકરાના કરજનો અહેસાસ પણ હતો. સતત નારા લગાવતી રહી-જય હિંદ. શહીદના અંતિમ સંસ્કારમાં મહિલાઓ પણ સામેલ થઈ હતી, કેટલીક મહિલાઓ પોતાના દુધપીતા બાળકો સાથે આવી હતી.
બહેન પણ દિલ્હીથી તેમના ભાઈ કુલદીપના પાર્થિવ દેહ સાથે ગામ પહોંચી હતી. અહીં માતા-પિતાને હિંમત આપી. ઘરેથી જ્યારે કુલદીપનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવતું હતું ત્યારે દીકરીએ પિતાને સંભાળ્યા. તે માર્ગમાં પિતાનો હાથ પકડીને ચાલતી હતી.
હવાઈ પટ્ટીથી લઈ ગામ સુધી માનવ મહેરામણ ઉપટી પડ્યું હતું. ગામમાંથી અંતિમ યાત્રા પસાર થઈ હતી. લોકોએ ફૂલ વરસાવ્યા હતા. ઘરની છતો લોકોએ અંતિમ દર્શન કરવા રાહ જાતા હતા.