અમરેલીના ચિતલ ગામે સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા એક સામાજિક કાર્યકરની પ્રતિષ્ઠા ખરડવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી આઈડી બનાવી સામાજિક કાર્યકર વિરુધ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી તેમની કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે નરેશભાઇ ભીખાભાઇ વાળા (ઉ.વ.૩૭) એ ભરત કાતરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત અનુસાર, ચિતલ ગામના એક જાગૃત સામાજિક કાર્યકરને નિશાન બનાવી આરોપીએ સોશિયલ મીડિયાની અલગ-અલગ એપ્લિકેશન પર ખોટા આઈડી બનાવ્યા હતા. આ ફેક આઈડીના માધ્યમથી આરોપીએ તેની વિરુધ્ધ પાયાવિહોણા આક્ષેપો કરી, બેફામ ગાળો બોલી અને તેમના ચરિત્રને અત્યંત ખરાબ રીતે ચિતરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ સોશિયલ મીડિયા પર તેમના ચરિત્ર વિશે ગંભીર અને વાંધાજનક લખાણો પોસ્ટ કર્યા હતા. ઉપરાંત તેમના જ સમાજના અન્ય વ્યક્તિઓ સાથે અણબનાવ થાય અને સામાજિક અંતર વધે તેવું કૃત્ય જાણીજોઈને કરવામાં આવ્યું હતું. એક સોશિયલ એક્ટિવિસ્ટ હોવાથી તેમના ફોલોવર્સ તેમને અવગણવાનું શરૂ કરે અને તેમની સોશિયલ મીડિયાની આવક તથા સામાજિક કારકિર્દી પર માઠી અસર પડે તેવો આરોપીનો બદઈરાદો હતો. આરોપીએ તેમની વર્ષોની મહેનતથી ઉભી કરેલી સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી બદનક્ષી કરી હોવાનું સામે આવ્યું હતું.







































