ટીમ ઇન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ પ્રવાસ પૂર્ણ કર્યા પછી, નિર્ધારિત સમયપત્રક મુજબ, ભારતીય ટીમ ઓગસ્ટમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસ પર, ટીમ ઇન્ડિયાએ ત્રણ વનડે અને તેટલી જ ૨૦ મેચ રમવાની છે. ચાહકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલમાં આ શ્રેણી પર સસ્પેન્સ છે. બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતાં, આ શ્રેણી સમયસર યોજવી મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં, વિરાટ અને રોહિતને જોવા માટે ચાહકોને લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખે આ પ્રવાસ અંગે એક મોટી અપડેટ આપી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશના આગામી પ્રવાસ અંગે તેની સરકારના નિર્ણયની રાહ જાઈ રહ્યું છે. બોર્ડે  શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે તેની ૧૯મી બેઠક યોજી હતી. બેઠક બાદ,બીસીબી પ્રમુખ અમીનુલ ઇસ્લામે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમારી બીસીસીઆઇ સાથે સકારાત્મક ચર્ચા થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે હાલમાં ચર્ચા ચાલી રહી છે કે આપણે આ શ્રેણી કેવી રીતે કરાવી શકીએ અને જો આપણે તેને અત્યારે આયોજિત ન કરી શકીએ, તો ભવિષ્યમાં અન્ય કોઈ સમયે તે કરાવીશું. હાલમાં સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરીએ તો, તેઓ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. બંને ખેલાડીઓ હવે ભારત માટે ફક્ત વનડે ફોર્મેટમાં રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં, વિરાટ અને રોહિતના ચાહકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો આ શ્રેણીનું શેડ્યૂલ બદલાય છે, તો ચાહકોને તેમને જોવા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. બંને ખેલાડીઓ અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સાથે રમતા જોવા મળ્યા હતા.