માનવજીવનના અવીરત ચાલતા આ ચક્રમાં ડગલેને પગલે આજે એક જ શબ્દ અથડાઇ છે અને તે છે માણસ ક્યાં? આજે માનવી પ્રગતિશીલ બન્યા પરંતુ માનવતા ભૂલી ગયા. આ શક્તિશાળી માનવ બન્યા પરંતુ માફી નામનું બ્રહ્માસ્ત્ર ચૂકી ગયા. આજે માનવી એ વૈજ્ઞાનીક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી પરંતુ ધર્મ ચૂકી ગયા. આ સર્વેનો નિચોડ  એકઠો કરી મને આજે ‘ચાલ માનવ બનીયે’ લખવાની જરૂર પડી છે.
તમારી પાસે અઢળક સંપત્તિ હશે, ઘણા સારા મિત્રો પણ હશે, સારો પરીવાર હશે, સારા સંતાનો હશે. છતાં પણ તમે ક્યારેક-ક્યારેક એવું અનુભવતા હશો કે તમને શાંતિ પ્રાપ્ત નથી થતી. પ્રથમતો આ દુનિયામાં કોઈપણ માનવી સર્વ રીતે સુખી નથી. દરેકને કોઈક જગ્યાએ ઉણપ તો છે જ. પરંતુ તેમાંથી સુખી એજ માંનવી રહી શકે છે જે સર્વ ઘટનાઓને સંપૂર્ણતા થી સ્વીકારે છે.
ઘોર અંધકારમય રાતત્રીમાં અનંત આકાશને નિહાળવા તમે તમારી મનગમતી ખુલ્લી જગ્યા પર બેઠાં હોય અને આ અનંત આકાશમાં ટમટમતા તારાઓ નિહાળતા હોય. ચંદ્ર તમારા વર્તન ઉપર પ્રભાવ પાડતો. હોય ઠંડી હવાની લહેરો વહેતી હોય. તેવા સમયે તમે આ વાતાવરણને અનુભવી ખૂબ આનંદ માણતા હોય છતાં પણ તે જ સમયે તમે તમારા હૃદય ઉપર હાથ રાખી અંતરમાં નજર કરો અને જે-જે વ્યક્તિની તમને એ જ સમયે ઊણપ સર્જાતી જણાય ત્યારે તમે દુઃખી થાવ છો. પરંતુ વાસ્તવિકતામાં આ દુઃખનું કારણ તમે પોતે જ છો. કારણકે તમને જે વ્યક્તિ પ્રત્યે અપાર લાગણી હોય તે વ્યક્તિ સાથે તમારે સંબંધ તૂટે જ  શા માટે..? હા, માન્યું અમુક બાબતોમાં તેમની ગેરરીતિ હશે. પરંતુ સામે તમારી પણ કંઈક..,ક્યારેક.., ગેરરીતિ હશે. અને જે તે સમયે તેમણે તમને માફ કરી દીધા હશે. જો વાસ્તવિકતામાં જ તમારે લાગણી હોય તો.., તમે શા માટે માફ નથી કરી શકતા?
આ સમયતો હળી-મળીને વિતાવવાનો સોનેરી સમય છે. આ સમયને પરમાર્થ માટે વાપરવો જોઈએ. ગગનચુંબી આ પર્વતની ટોચ ઉપર જઈ..,અનંત વિશાળ આ સમુદ્રને પગની નીચે રાખી.., અનંત આકાશ તરફ ઊંડી નજર કરી.., આપણે ગર્વથી કહી શકવા જોઈએ કે હું માણસ છું. જીવનમાં કોઈને છેતરીને.., કોઈનું અહિત થાય તેવું વિચારીને.., જીવવાનો આનંદ લેવા કરતાં સર્વનું હિત થાય.., સર્વ સુખી થાય તેવું વિચારીને પરમ આનંદ લેવો તે જ સાચો માણસ છે.
ક્યારેક સમય બચાવી તમારી સાથે વાત કરજો. તમારા અત્યાર સુધીના જીવન ઉપર પ્રકાશ પાથરજો અને અંતરમાંથી નક્કી કરજો કે, તમે આજ દિવસ સુધી શું-શું ખોટું કાર્ય કર્યું? અને હાલ શું કરી રહ્યા છો? આ વાતનો જવાબ તમને મળે એટલે તે જ ક્ષણે સંકોચ રાખ્યા વગર તે કાર્યને સુધારી નવા જીવનના રસ્તા ઉપર પ્રયાણ કરવાનું ચાલુ કરીદો
 આ જ માણસનું પ્રથમ કર્તવ્ય છે. અને સાચા માંનવીનો પ્રથમ ગુણ છે.
કોઈ તમને અપશબ્દ કહે..,કોઈ તમારા માટે અહીત કરે.., કોઈ તમને ખોટી રીતે હેરાન કરે.., કોઈ તમારી નિંદા કરે.., ત્યારે હસતા મુખે બધુ સ્વીકારી પ્રત્યુત્તરમાં માત્ર નિસ્વાર્થ હાસ્ય આપો.  સર્વ ભુલી તમારા માર્ગ પર ચાલતા રહો. દરેક સ્થિતિનો સહજતાથી સ્વીકાર કરી લો. તમને સફળતા મળે કે નિષ્ફળતા.., તમારી પ્રગતિ થાય કે અધોગતિ.., તમારી સમાજમાં સારી વાતો થાય કે પછી ખરાબ.., તમને માન મળે કે પછી અપમાન.., તમે અમીર બનો કે ગરીબ.., આ બધી જ સ્થિતિનો તમે સહજતાથી ફરિયાદ કર્યા વગર હસતા મુખે સ્વીકાર કરી લો… ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી કરી શકતી નથી.
આ સર્વેમાં હું એ વાતને ક્યારે સમર્થન નથી આપતો કે;  જ્યારે ધર્મ રક્ષાનો સવાલ હોય ત્યારે જતું કરવું. કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થતા હોય, કોઈ બહેન-દીકરી ઉપર દુષ્કર્મ થતો હોય, તેની અસામાજિક તત્વો દ્વારા છેડતી થતી હોય, ત્યારે શસ્ત્ર પણ ઉઠાવવું એ પણ એક માણસનો જ ધર્મ છે.  દેશની દરેક સ્ત્રી એક-એક લાઇસન્સ સાથે હથીયાર પણ રાખતી હોવી જોઈએ. કારણ કે શસ્ત્રોથી જ શાસ્ત્રની રક્ષા થશે.  અને શસ્ત્રથી જ અધર્મીઓને તેમની ભાષામાં જવાબ મળશે.  પરંતુ સંબંધમાં અને માણસાઇમાં આ શસ્ત્ર ક્યારેય ઉઠવું ના જ જોઈએ એ બન્ને વાતની યોગ્ય સમજણ કેળવાય જાય ત્યારે સમજજો તમે માણસ બન્યા છો.
ચાલો આપણે સૌ આ જગતમાં સર્વ જીવોનું કલ્યાણ થાય, દરેકનુ હિત થાય, દરેક સુખી થાય, દરેકની પ્રગતિ થાય, દરેકને પોતાના અધિકાર પ્રાપ્ત થાય,દરેક ખરેખર સ્વતંત્રતાનો અનૂભવ માણી શકે. તેવું સમર્પિત જીવન જીવીએ અને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર ગૌરવને સદાય કેન્દ્રમાં રાખી ભારતને ભવ્ય બનાવવા માટે આપણે પણ માણસ બનીએ. વંદે માતરમ.