ચાલો આજે એવા સ્થળે જ્યાં તમને શાંતિ અને કુદરતી સૌંદર્યની અનુભૂતિ થઈ શકે. સાપુતારા હિલસ્ટેશન, જ્યાં તમને પહાડો, નદી, ઝરણાં, તળાવો, વર્ષો જૂના વૃક્ષો, ઐતિહાસિક સ્થળોથી હર્યાં-ભર્યાં કુદરતના ખોળામાં રહેવા-જીવવાની મજા આવશે.
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં સમુદ્રથી ૧૦૮૩ મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જ્યાં તમે પહાડ, નદી, ઝરણાં, જંગલના કુદરતી સૌંદર્યમાં આનંદ માણી શકો છો.
સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘોર જંગલો વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલું છે. ચારેબાજુ ફેલાયેલ પહાડોની ખીણો અને લીલાંછમ્મ વનના દ્રશ્યો તમારા મનને હરી લેશે. હાલના સમયમાં સાહસિક યુવક-યુવતીઓ હિલસ્ટેશન પર જઈ એડવેન્ચર કેમ્પ કરવાનું ખૂબ પસંદ કરતાં હોય છે. ત્યારે એડવેન્ચર ટુરિઝમ માટે જાણીતા બનેલા સાપુતારામાં એડવેંચર પ્રેમીઓ માટે એડવેન્ચર સ્પોટ્ર્સ અને વસવાટની સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીને અહીં જ રોકાવાનું મન થઈ જાય તેવું છે. અહીં ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે ૨૮થી૩૦ ડિગ્રીથી ઓછું રહે છે. આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે.
– સાપુતારામાં ફરવાના સ્થળ :
સનરાઈઝ પોઈન્ટ, નૌકાવિહાર, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, માછલી ઘર, ઈક્કો પોઈન્ટ, ફોરેસ્ટ નર્સરી, મધ ઉછેર કેન્દ્ર, રોઝ ગાર્ડન, અંબિકા દર્શન, લેક ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર, જૈન મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, સાંઈબાબા મંદિર, આયુર્વેદિક ઔષધિ ઉદ્યાન, સ્પોટ્ર્સ કામ્પ્લેક્સ, આયુર્વેદિક દવાખાનું અને સ્પા, ટેબલ પોઈન્ટ, ઝીપ લાઈન, આર્ટિસ્ટ વિલેજ અને ઋતુંભરા વિદ્યાલય જોવાલાયક સ્થાનો છે.
– હિલસ્ટેશન સાપુતારા વિશે :
સાપુતારા શબ્દનો અર્થ થાય છે સાપનું ઘર. આ સ્થળે પહેલાં સંખ્યાબંધ સાપ જોવા મળતા હતા, જેના કારણે આ સ્થળનું નામ સાપુતારા પડ્યું હતું. જો કે, આજે પણ જંગલમાં સાપના દર્શન દુર્લભ નથી. ગામડાંમાં વસતી પ્રજા પ્રસંગોપાત સાપની પૂજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સાપની આકૃતિની પૂજા-અર્ચના કરી અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા પર્વની ઉજવણી કરે છે. હોળી સમયે તો અહીંની આદિવાસી પ્રજાનું નૃત્ય માણવાલાયક બની રહે છે. કુદરતની વાત કરીએ તો
સાપુતારામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત ખૂબ નયનરમ્ય લાગે છે, આ સમયે સૂર્ય આપણી તદ્દન નજીક આવી ગયો હોય એવું અદ્ભુત દૃશ્ય જોવા-માણવા મળે છે. સાપુતારા હિલ સ્ટેશનનો સારો એવો વિકાસ થયો હોઇ, આસપાસના જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. અહીંના આદિવાસીઓના પરંપરાગત નૃત્યો પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. વળી, ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા હોઇ, અહીં હાથ બનાવટની વાંસની સુંદર ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો.
– સાપુતારાનું મનમોહક હવામાન ઃ:
સાપુતારામાં એકવાર જાવ એટલે તમને ત્યાં જ રહી જવાનું મન થઇ જાય..! ગુજરાતનું આ હિલસ્ટેશન વીકએન્ડ ગેટવે તરીકે જાણીતું છે. સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવું બનાવીને પ્રવાસીઓ માટે વધુમાં વધુ સુવિધાનું આયોજન થઇ રહ્યું છે. અહીંયાનું હવામાન એકદમ ખુશનુમા હોય છે. ઉનાળામાં પણ અહીં તાપમાન ૩૦ ડિગ્રીથી વધારે રહેતું નથી. આખા વર્ષ દરમિયાન તમે ઇચ્છો ત્યારે સાપુતારા જઇ શકો છો. જોકે, અહીં જવાનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારાના રસ્તા સર્પાકારે આવેલા છે. આ હિલ સ્ટેશન ખૂબ સુંદર તળાવો, બગીચાઓ માટે જાણીતું છે. ડાંગમાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓનું બજાર છે. જ્યાં સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી અવિસ્મરણીય બની રહે છે.
– સાપુતારાનો પ્રચીન ઈતિહાસ :
પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસમાંથી શ્રીરામે, સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જ જંગલમાં વીતાવ્યા હતા. આ ગીચ જંગલ વિસ્તાર સીતાવનના નામે ઓળખાય છે. જેમ રામાયણકાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વનપ્રદેશની ગુફાઓમાં વસવાટ કર્યો હતો, જે પાંડવ ગુફાના નામે ઓળખાય છે. (ક્રમશઃ)