સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત-સુરાની ભૂમિ. આવા સૌરાષ્ટ્રમાં અનેક ઐતિહાસિક મંદિર આવેલાં છે, જેમાં હિન્દુ સંસ્કૃતિનો વારસો ગણાતા મંદિરોમાં એક મંદિર છે..ભગવાન શ્રી કૃષ્ણનું. જે રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલુ છે. આ મંદિરની ખાસિયત એ છે કે, અહીં પશ્ચિમ મુખે બિરાજમાન પ્રભુ મુરલી મનોહરના દર્શન થાય છે.
સામાન્ય રીતે દરેક મંદિરમાં દેવ-દેવીની મૂર્તિ ઉગમણી એટલે કે પૂર્વ દિશામાં જોવા મળે છે. જ્યારે દ્વારકા અને ડાકોરનાં મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પશ્ચિમાભિમુખ એટલે કે, આથમણી દિશા ભણી મુખ કરીને બિરાજમાન છે. ત્યારે આવું જ એક મંદિર સુપેડીમાં જોવા મળ્યું છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પશ્ચિમાભિમુખે બિરાજમાન છે. અહીં આવતા દરેક ભક્તની મનોકામના પૂરી થતી હોઇ, મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે.
ઉતાવળી નદીના કાંઠે સુપેડીમાં આવેલુ મુરલી મનોહરનું આ મંદિર ઔલોકિક અને સુંદર છે. ત્રણ નદીના સંગમ સ્થાન એવા ત્રિવેણી સંગમ પર આવેલા મુરલી મનોહર મંદિરમાં પ્રવેશતા જ અલૌકિક અનુભૂતિ થાય છે. અહીંનો સુંદર ઇતિહાસ ધરાવતું મુરલી મનોહર મંદિર અને તેની આસપાસનું કુદરતી વાતાવરણ તમારા મનને અચૂક મોહી લેશે.
મુરલી મનોહરના આ મંદિરમાં અન્ય ૧૦ જેટલા દેવ-દેવી પણ બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની તમામ બાલ્યાવસ્થાની વિવિધ મૂર્તિઓ પણ બિરાજમાન છે. મંદિરની આસપાસના વિસ્તારના ભૂખ્યાં કે ગરીબ લોકો માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અહીં ભક્તો ગર્ભગૃહની અંદર જઈ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકે છે અને ભગવાન શ્રીકૃષ્ણને કાલાવાલા કરી શકે છે. આ મંદિરમાં મહિલાઓ સત્સંગની સાથોસાથ ભગવાનની ભક્તિ અને શ્રીકૃષ્ણને પ્રિય એવા રાસ રમી ગીત ગાતાં-ગાતાં ભક્તિ કરે છે.
મંદિરની લોકવાયકા અનુસાર, મંદિર હજારો વર્ષ પ્રાચીન છે, જેની કોતરણી પણ અદ્‌ભુત છે. કહેવાય છે કે, અહીંના બે મંદિર બે ભાઇઓએ બનાવ્યાં છે. જેમાં એક ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર અને બીજું ભગવાન શંકરનું મંદિર બનાવ્યું છે. આ બંને ભાઈએ જ્યારે આ મંદિર બનાવ્યાં ત્યારે બંને મંદિરના ચાલતાં કામની વચ્ચે પડદો રાખવામાં આવ્યો હતો. એટલે એકબીજાના મંદિરની કલા-કારીગરી જોયા વગર બંને ભાઈના મંદિર એક સરખાં અને એક સરખી કોતરણીવાળાં બન્યાં હોવાની પણ લોકવાયકા અહીં સાંભળવા મળે છે.
લોકવાયકા મુજબ માણાવદર પાસેના એક ગામના કૂવામાંથી લક્ષ્મીજી અવતરિત થયા હતા. કૂવામાંથી અખૂટ ધનનો ભંડાર હતો પણ સંત તો સંત હોય છે તેઓ ત્યાંથી નીકળી ગયા. લક્ષ્મીજી પણ તેમની પાછળ-પાછળ સુપેડી આવ્યા. સાથે લક્ષ્મીજી હોવાથી સંતે ગામના બે ભાઈને મંદિર બનાવવા કહ્યું, જેથી બંને ભાઈએ એકસાથે મંદિરનું નિર્માણ કરાવ્યું અને બંને મંદિર વચ્ચે પડદો રાખી અલગ-અલગ મંદિર બનાવ્યાં, પણ જ્યારે પડદો હટ્યો ત્યારે જોયું તો બંને મંદિર એકસરખાં જ બન્યા હતા. એ પછી એમને જોડીને મુખ્ય મંદિર બનાવ્યું હતું.
મહાભારતકાળમાં પાંડવો વનવાસ દરમિયાન સુપેડીથી નીકળી, ઉતાવળી નદીના કિનારે રહ્યા બાદ તેમણે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. જે આજે પણ હયાત હોવાનું મનાય છે. તેમની સાથે શ્રીકૃષ્ણ પણ સુપેડી આવતા, અહીં મુખ્ય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ બિરાજમાન છે. મુખ્ય મંદિર શ્રીકૃષ્ણનું એટલે કે મુરલી મનોહરનું છે અને તેમાં તેમનું બાળ સ્વરૂપ પણ છે. તેમની સાથે શક્તિ સ્વરૂપ કે જેને ગામવાસીઓ રાધા માને છે અને રુક્મિણી પણ માને છે એમ મંદિરમાં ત્રણેય સાથે બિરાજમાન છે. મુરલી મનોહરનું વાહન ગરુડ દેવ પણ છે. શિવજી, શ્રીરામ, હનુમાન જેવા દેવ-દેવીના મંદિર પણ છે.
સુપેડીના મુરલી મનોહર મંદિરમાં દસ જેટલા દેવ-દેવી બિરાજમાન છે. ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ મંદિર પર ધજા ચઢાવવા આવે છે. આ મંદિરની આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યાં કે ગરીબ લોકોને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્રની સુવિધા પણ ચલાવવામાં આવે છે ત્યારે અહીં હરિ અને હર એટલે હરિ એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ એમ બંને દેવતા એક સાથે બિરાજમાન હોય તેવું સમગ્ર ભારતમાં કદાચ આ એક જ મંદિર હશે તેવું મનાય છે.
પુષ્ટિ સંપ્રદાયની પરંપરાથી ચાલતા આ મંદિરમાં વૈષ્ણવો પણ આવીને જે ઝાંખી કરે છે તે અલૌકિક અનુભવ કરાવી જાય છે. ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માત્ર ફળ સંકલ્પ કરે છે, જ્યારે શ્રદ્ધાળુની મનોકામના પૂરી થાય ત્યારે તે કોઈપણ ફળ લાવીને મુરલી મનોહરના ચરણોમાં ધરે છે અને ભગવાનના આશીર્વાદ લે છે.
મંદિરના પૂજારીના જણાવ્યાનુસાર, અહીં આવતા ભક્તો સિઝનેબલ ફળની માનતા રાખી, જે-તે સિઝનના કોઈપણ ફ્રૂટ ભગવાન શ્રીકૃષ્ણને ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. મુરલી મનોહર મંદિરમાં અનેક મનોરથ તેમજ ઉત્સવો ધામધૂમથી અને હોંશે-હાંશે ઊજવાય છે. sanjogpurti@gmail.com