પાળિયાના પ્રકાર:
ગાયનો પાળિયો: કુંભલગઢ ( રાજસ્થાન )
આ પાળિયાને પારંપરિક રીતે પાળિયા (સપાટ પથ્થરના સ્મારક), ખાંભી (કોતરકામ વિના બાંધેલ મૃતકનું સ્મારક), થેસા (પાળિયા નજીકના નાના પથ્થર), ચાગિયો (પત્થરના ઢગલા), સુરાપુરા (લોકો માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધા) અને સુરધન (આકસ્મિક મોત, જેવું કે હત્યા, આત્મહત્યા, અકસ્માત કે અન્ય) તરીકે વર્ગીકૃત કરાય છે. તેમાંના કેટલાકને સતીમાતા કે ઝુઝાર (મસ્તક વગરના યોદ્ધા) કહે છે.
યોદ્ધાના પાળિયા:
આવા પાળિયાના સ્મારક સૌથી સામાન્ય હોય છે. જે મોટે ભાગે લડાઈ નાયકોની પૂજા કરતા સમુદાય-લોકજાતિ સાથે સંકળાયેલા હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. યુદ્ધસ્થળ કે જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બંધાય છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી કે પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધેલા હતા, પછી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયાર જેવાં કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને બંદૂક સાથે દર્શાવે છે. આ યોદ્ધા વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર સવાર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. ક્યારેક રાજકિય ચિહ્નને લઇને જતાં કે યુદ્ધમાં નગારાં વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવાય છે.
સતીના પાળિયા:
આ સ્મારક મોટે ભાગે રાજવી પરિવાર સાથે સંકળાયેલાં હોય છે, જે સતી થયાં હોય કે જૌહર કરી મૃત્યુ પામ્યાં હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોય છે. તેમની દેવી તરીકે પૂજા થાય છે. આ સ્મારક મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીક જેવાં કે મોર, કમળ પણ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી કે નમસ્કાર મુદ્રામાં ઊભેલી સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જપમાળા હોય એવા સ્ત્રી આકાર હોય છે. કેટલાંક સ્મારકમાં જ્વાળામાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી કૃતિ દર્શાવાય છે.
ખલાસીના પાળિયા:
ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીની યાદમાં બનાવેલા હોય છે. તેમના સ્મારક પર ક્યારેક જહાજ દર્શાવેલું હોય છે.
લોકસાહિત્યના પાળિયા:
અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાઇને ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમકથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે. આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડાવાળાનો પાળિયો છે.
પ્રાણીના પાળિયા:
પ્રાણીઓ જેવાં કે ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયા પણ બાંધવામાં આવ્યા હતા.
ક્ષેત્રપાળના પાળિયા:
આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતા)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક કે ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ કરે છે. જે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ મનાય છે. આ પાળિયા પર સાપ, મંત્ર કે માત્ર આંખ રક્ષણના પ્રતીક તરીકે દર્શાવાય છે.
આવા પાળિયાના સ્મારક લોકજીવન અને શિલાલેખની માહિતી પૂરી પાડે છે. જે એક સામાજિક માળખું છે જે સમાજ નાયકની યાદ અપાવે છે. તેઓ મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ ધરાવતી પ્રતિમા છે, જે સદીથી સચવાયેલી છે. તે ભૂતપૂર્વ સમાજના રીત-રિવાજો, સંસ્કૃતિ અને માન્યતાની માહિતી પૂરી પાડે છે. આ સ્મારકો પૂર્વજોની પૂજા સાથે સંકળાયેલા છે, જેથી તેની સાથે સંકળાયેલાં સ્થાનિક લોકસાહિત્યને ઓળખી શકાય છે અને તેનું દસ્તાવેજીકરણ થઇ શકે છે. તે સતીપ્રથા જેવી સાંસ્કૃતિક પરંપરા વિશે માહિતી આપે છે. જે-તે સમયગાળાના વસ્ત્ર, શસ્ત્ર અને વાહનની પણ માહિતી આપે છે. આ સ્મારકો સ્થળ અને વર્ષની માહિતી ધરાવતા હોવાથી ભાષાની ઉત્ક્રાંતિ અને સમય દર્શાવવાની પદ્ધતિ અંગેના સંશોધનમાં મદદરૂપ છે. કેટલીકવાર તેઓ ધાર્મિક મહત્વ ધરાવતા હોવાથી તેને કોઈ નુકસાન ન કરતા હોવાથી ખજાનો છુપાવેલી જગ્યાને અંકિત કરવા પણ વપરાયાં છે.