ગિરનાર પર્વતની આસપાસ કારતક સુદ ૧૧થી પૂનમ દરમિયાન પાંચ દિવસ ચાલતી પરિક્રમાને લીલી પરિક્રમા કહે છે. આ લીલી પરિક્રમામાં ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાંથી ભાવિકો લીલી પરિક્રમા કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
જૂનાગઢમાં ગિરનાર પર્વતની ફરતે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ દરમિયાન એટલે કે દિવાળી પછી લીલી પરિક્રમા યોજાય છે, જેનું ધાર્મિક મહ¥વ અનેરું છે. આ લીલી પરિક્રમા દરમિયાન લોકોને સતત પાંચ દિવસ સુધી પ્રકૃતિ સાથે જોડાઇ રહેવા ઉપરાંત ધાર્મિક વાતાવરણમાં રહેવાની તક પણ મળતી હોવાથી લીલી પરિક્રમાનું મહ¥વ અનેરું બની રહે છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા તો કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે, પરંતુ છેલ્લાં થોડા વર્ષથી ભક્તોનો ધસારો વધતો જતો હોવાથી, શ્રદ્ધાળુઓ એક દિવસ પહેલાથી જ પરિક્રમાનો આરંભ કરી દે છે, જેથી શાંતિથી અને ધીમે ધીમે પરિક્રમા પૂરી કરી શકાય.
સુવિધાના ભાગરુપે ભાવિકો સમયસર જૂનાગઢ ખાતે પહોંચી જઇ ગિરનારની તળેટીમાં રોકાણ કરે છે. ત્યારબાદ દશમ કે એકાદશીના દિવસે પરિક્રમાની શરૂઆત કરતાં પહેલાં દામોદર કુંડમાં સ્નાન કર્યા પછી પૂજા-પાઠ-અર્ચના કરે છે. ત્યારબાદ દામોદરજી, ભવનાથ મહાદેવ, દૂધેશ્વર મહાદેવ વગેરે મંદિરોના દર્શન કરી, અગિયારસની રાતે હર હર મહાદેવના જયઘોષ સાથે લીલી પરિક્રમાનો વિધિવત શુભારંભ કરે છે.
ગિરનાર પર્વતની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ પગપાળા ૩૬ કિલોમીટરનું અંતર ચાલીને ગ્રીન સર્કલ પૂરું કરે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉતારા, સેવા કેન્દ્રો અને મંડળો દ્વારા આરામ-વિરામ અને ભોજનની સુવિધા ઊભી કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો પોતાના ઘરેથી સીધું-સામાન સાથે લાવીને ગિરનારના જંગલમાં રસોઇ બનાવીને વન ભોજનનો આનંદ માણતા-માણતા પરિક્રમા કરે છે.
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ૩૬ કિલોમીટરની પરિક્રમાનો પ્રથમ પડાવ ૧૨ કિલોમીટરે આવે છે. ત્યાર બાદ બીજો પડાવ આઠ કિલોમીટરના અંતરે આવે છે. પછી ત્રીજો પડાવ આઠ કિલોમીટરના અંતરે આવે છે અને ચોથો પડાવ આઠ કિલોમીટરના અંતરે ભવનાથ મહાદેવ મંદિર ખાતે આવે છે. પરિક્રમાના પ્રારંભથી જ જુદી જુદી જગ્યાએ અને અમુક અમુક અંતરે પીવાના પાણીની સુવિધા ઊભી કરવામાં આવી હોય છે. જેમાં કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સૂરજકુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પીવાના પાણીની સુવિધા ઊભી કરાય છે.
લીલી પરિક્રમાના ધાર્મિક મહવ વિશે વાત કરીએ તો, કહેવાય છે કે ગિરનાર પર્વત પર તેત્રીસ કરોડ દેવી-દેવતાનો વાસ છે. જેથી ગિરનારની લીલી પરિક્રમા કરવાથી ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મેળવ્યાની અનુભૂતિ કરે છે. જૂનાગઢની લીલી પરિક્રમા એ સદીઓથી ચાલતી આવતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ૩૩ કોટી દેવી-દેવતાના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. એવું મનાય છે કે, આ પરિક્રમા કરનાર સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે.
વર્ષોથી અવિરત ચાલતી લીલી પરિક્રમામાં આજ દિન સુધીમાં જરૂરી ફેરફાર આવ્યા છતાં, આજે પણ ભાવિક ભક્તો ભાવપૂર્વક આ પરિક્રમા પૂર્ણ કરે છે.
પ્રાચીન પરંપરા મુજબ તેમજ સનાતન ધર્મના ધર્મગ્રંથોના ઉલ્લેખ મુજબ પુરાતન કાળથી ચાલતી આવતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ૧૮મી સદીમાં શરૂ થઈ હોવાનું નોંધાયું છે. ૧૮૬૪માં જે-તે સમયે જૂનાગઢના દીવાન અનંતજી વસાવડાએ જેઠ માસમાં સંઘ દ્વારા ગિરનાર પર્વતની ફરતે પરિક્રમા કરી હતી. ત્યારબાદ સમયાંતરે લીલી પરિક્રમામાં પરિવર્તન આવ્યા અને વર્ષો પછી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કારતક માસમાં શરૂ થઈ, જે આજે આધુનિક સમયમાં પણ પૌરાણિક, ધાર્મિક અને સનાતન ધર્મની પરંપરા મુજબ પ્રતિવર્ષ અવિરત યોજાઈ રહી છે.
sanjogpurti@gmail.com