દશેરા એ માત્ર રાવણદહનની પરંપરા નથી. તો દિવાળી ભલે રામના વિજયનું પર્વ હોય પરંતુ આ બધામાં રા‌વણની શક્તિ-ભક્તિને ભૂલવા જેવી નથી. રાવણનું જીવન પણ તમને એ શીખ આપે છે કે, જ્ઞાન-શક્તિ-ભક્તિનો ગર્વ જો અહંકારમાં ફેરવાશે તો પતન થશે. રાવણની જ્ઞાની-ભક્તિમય છબીમાંથી પણ પ્રેરણા મળે છે. આજની પેઢી રાવણના સદગુણોથી પ્રેરિત થઇ છે, ત્યારે વિવિધ રાજ્યનાં રાવણનાં મંદિરો, જ્યાં તેમની પૂજા થાય છે. એવાં રા‌વણનાં મંદિરોની સફર કરીએ…
– મંદસૌર: રાવણની ૪૧ ફુટ ઊંચી પ્રતિમા ધરાવતું મંદસૌર રાવણની સાસરી છે. પત્ની મંદોદરી મધ્ય પ્રદેશના મંદસૌરની દીકરી હોય, લોકો રાવણને જમાઈ માને છે. અહીંના ખાનપુરામાં રાવણની નિત્ય પૂજા માટે અંદાજે ૪૧ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત છે. મંદસૌર પહેલાં દશપુરના નામે ઓળખાતું હતું. અહીં મહિલાઓ લાજ કાઢીને આવતી અને રાવણની પ્રતિમા પાસે જઇ લાજ કાઢી નાખતી. અહીંની માન્યતા છે કે, રાવણના જમણા પગમાં દોરો બાંધવાથી બીમારી દૂર થાય છે એટલે અહીં રાવણ બારેમાસ પૂજાય છે. કુદરતી પ્રકોપથી બચવા અને પરિવારની સુખ-શાંતિ માટે રાવણની પૂજા-અર્ચના કરાય છે. રાવણ વધ પહેલાં લોકો રાવણ સામે ઊભા રહી ક્ષમા માગે છે, તમે સીતાહરણ કર્યું એટલે રામ સેના તમારો વધ કરે છે. રાવણનાં દસ મોઢાં હોય, પરંતુ અહીં નવ મોઢાં છે. એક વખત બુદ્ધિ ભ્રષ્ટ થવાના ચિહ્ન તરીકે મુખ્ય મોઢાં પર ગધેડાનું મોઢું લગાવેલું છે. અહીંના લોકો રાવણની ટીકા કરતા નથી પણ પ્રકાંડ પંડિત, જ્ઞાની અને આયુર્વેદના આચાર્ય માને છે.
– મહેરાનગઢ: જોધપુરના મહેરાનગઢની તળેટીમાં રાવણ અને મંદોદરીનું મંદિર છે. અહીં રાવણ-મંદોદરીની જુદી-જુદી વિશાળ પ્રતિમા છે. બંનેને શિવપૂજા કરતાં દર્શાવ્યાં છે. પોતાને રાવણનો વંશજ માનતા ગોધા કુળ ગૌત્રના બ્રાહ્મણોએ આ મંદિર બનાવ્યું છે. વેદ-સંગીતના વિદ્યાર્થીઓ રાવણના આશીર્વાદ લેવા અહીં આવે છે. અહીં રાવણ-મંદોદરીનાં લગ્ન થયાં હતાં. રાવણના પૂર્વજો રાવણનાં લગ્ન વખતે અહીં આવી વસ્યા હતા. પહેલાં અહીં રાવણની છબીની પૂજા થતી, ૨૦૦૮માં આ મંદિરનું નિર્માણ થયું. રાવણના વંશજો અહીં રાવણ પૂજા કરી તેમના સારા ગુણ કેળવે છે. રાવણ મહાન સંગીતકાર (વીણાવાદક અને શિવતાંડવ સ્તોત્રના રચયિતા) તેમજ વેદોના જ્ઞાની મનાય છે.
– રાવણગામ: મધ્ય પ્રદેશના વિદિશાના રાવણગામમાં ૫૫૦ વર્ષ પ્રાચીન રાવણની સૂતેલી પ્રતિમા છે. જેને ઊભી કરવાની કોશિશ કરે તો કોઈ અપશુકન થાય એવું મનાય છે. કોઈ શુભ કાર્ય માટે રાવણબાબાના આશીર્વાદ લેવાય છે. દશાનન પરથી ગામનું નામ રાવણ રખાયું છે. ગામ લોકોનાં ઍક્ટિવા, ટુવ્હીલર, ટ્રૅક્ટર કે ઘરની નેમપ્લેટ પર જય રાવણ, જય લંકેશ કે પછી રાવણ બાબા લખેલું જોવા મળે છે. રાવણ ગામમાં લંકાપતિ રાવણનું પ્રાચીન મંદિર છે. રાવણ કાન્યકુબ્જ કુળનો બ્રાહ્મણ હતો. ગામમાં આ કુળનો સમાજ વસે છે, જેઓ રાવણને બ્રાહ્મણ સમાજના કુળદેવતા માને છે. રાવણ વિદ્વાન બ્રાહ્મણ હતો. દશેરાએ અહીં વિશેષ પૂજા થાય છે. જેમ શુભ કાર્ય પહેલાં ગણેશની પૂજા-દર્શન કરીએ છીએ, તેમ અહીં લગ્ન જેવાં શુભ કાર્યમાં રાવણને પ્રથમ નિમંત્રણ અપાય છે. ગામના લોકો રામાયણનો પાઠ કરતાં પહેલાં પહેલું નિમંત્રણ રાવણબાબાને આપે છે.
– કાકીનાડા: આંધ્ર પ્રદેશમાં કાકીનાડામાં રાવણનું મંદિર આવેલું છે. અહીં બીચ નજીક આવેલું કુંભાભિષેકમ રાવણ મંદિર પ્રવાસીઓ માટે શ્રદ્ધા સાથે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર રાવણસુરા કે કુંભાભિષેકમ મંદિર તરીકે જાણીતું છે. અહીં રાવણને માત્ર રામના શત્રુ તરીકે નહીં પરંતુ એક મહાન શિવભક્ત, વિદ્વાન અને શક્તિશાળી રાજા તરીકે માન અપાય છે. લોકકથા કહે છે કે, રાવણે શિવઆરાધના માટે આ સ્થળને પસંદ કર્યું હતું અને અહીં એક વિશાળ શિવલિંગની સ્થાપના પણ કરી હતી. મંદિરની દીવાલો પર દશમુખી રાવણની મૂર્તિ તેની ભક્તિ અને વિદ્વત્તાને દર્શાવે છે. દશેરાના દિવસે અહીં રાવણદહન નથી થતું, અહીંના લોકો રાવણને અપમાનિત કરવાનું ટાળે છે. કાકીનાડામાં દશેરા કંઇક અલગ રીતે મનાવાય છે. રાવણને શ્રદ્ધાંજલિ આપી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાય છે. આ પરંપરાથી પ્રતીત થાય છે કે, ભારતીય પુરાણોમાં ખલનાયક તરીકે ઓળખાતું પાત્ર કેટલાંક સ્થળોઓ આદર અને પૂજાનું રૂપ પણ છે. મંદિર બીચ નજીક હોવાથી પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.