અમેરિકાના રોડ આઇલેન્ડના પાવટકેટમાં ડેનિસ એમ. લિંચ એરેના ખાતે હાઇસ્કૂલ હોકી ટુર્નામેન્ટ દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે, જેણે થોડા સમય પછી પોતાને ગોળી મારી દીધી હતી.
આ ઘટના ડેનિસ એમ. લિંચ એરેનામાં બની હતી, જ્યાં ઘણી શાળાના વિદ્યાર્થીઓની હોકી ટુર્નામેન્ટ ચાલી રહી હતી. તે સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેના માતા-પિતા મેદાનમાં હાજર હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે પરિવારના સભ્યોને નિશાન બનાવ્યા હતા. મૃતકોમાં એક નાની છોકરીનો પણ સમાવેશ થાય છે. ગોળીબારમાં ઘાયલ થયેલા ત્રણ લોકોની હાલત ગંભીર છે અને તે હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે. હુમલાખોરે ગોળીબાર કેમ કર્યો અથવા તેનો હેતુ શું હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના બાદ એરેનાની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઘટના રોડ આઇલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર થયાના થોડા મહિના પછી બની હતી.