રાજસ્થાનનાં બાડમેરમાં મોડી રાત્રે એક ખાનગી ચાલુ બસમાંથી ઉતરતી વખતે યુવક બસનાં ટાયર નીચે આવી ગયો હતો. આ દુર્ઘટનામાં માથું ફાટી જવાથી યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના સામે લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાડમેર જિલ્લાના આરજીટી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. દુર્ઘટના બાદ પોલીસે મૃતદેહને ગુડામાલા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જોધેશ્વર નગરના ભટાલાના રહેવાસી સતારામ (૨૫) પુત્ર સોલારામ મોડી રાતે મજૂરી કામ કરીને બીકાનેરથી રાજકોટ જઈ રહેલી બસમાં બેસીને પોતાના ગામે આવી રહ્યો હતો. મેગા હાઇવે ગામ પાસે ૧૨ વાગે ખાનગી બસ ચાલકે ચાલું બસમાંથી યુવાનને નીચે ઉતાર્યો હતો. આ દરમિયાન યુવકનો પગ લપસી ગયો હતો અને બસના આગળના ટાયર નીચે માથું આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખાનગી બસે બસને ઉભી રાખ્યા વગર જ યુવકને ચાલું બસમાંથી નીચે ઉતાર્યો હતો. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનો પરિવાર બીપીએલ છે. તેઓ બે ભાઈ છે. એક ભાઈ તેના માતા-પિતાથી અલગ રહેતો હતો. મૃતક યુવક તેના વૃદ્ધ માતા-પિતા સાથે રહેતો હતો. મૃતક બાલોતરામાં જેસીબી મશીન ચાલવવાનું કામ કરતો હતો. સોમવારે રાત્રે ખાનગી બસ દ્વારા ભટાલા ગામે પોતાના ઘરે આવી રહ્યો હતો.
આરજીટી એસએચઓ ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર, પરિવારજનોના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.