ભાડે રાખેલી કારમાં મુસાફરી કરી રહેલા એક શખ્સે ચાલુ વાહને સ્ટીયરિંગ પકડી ખેંચી લેતા કાર રસ્તા નીચે ઉતરી ગઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અંગત અદાવત અને સામાન્ય બોલાચાલીમાં આરોપીએ ડ્રાઈવર અને અન્ય મુસાફરોનો જીવ જોખમાય તેવું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ગોંડલના વાસાવડમાં રહેતા ગૌતમભાઇ કનુભાઇ વાગડીયા (ઉ.વ. ૨૮) એ તેમના જ ગામના ચીરાગભાઇ ભીખાભાઇ મયાત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ પોતાની કાર લઈને પેસેન્જરના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ આ કાર ભાડે કરી હતી. મુસાફરી દરમિયાન આરોપી રસ્તામાં વારંવાર ગાડી ઉભી રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે ફરિયાદીએ વારંવાર ગાડી ઉભી રાખવાની ના પાડી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.મામલો એટલો વણસ્યો કે આરોપીએ ચાલુ કારે ફરિયાદીના હાથમાંથી સ્ટીયરિંગ ઝૂંટવી લઈ જોરથી ફેરવી નાખ્યું હતું. ચાલુ વાહને સ્ટીયરિંગ ફેરવાઈ જવાને કારણે કાર રસ્તાની ડાબી બાજુએ આવેલી વાડમાં ઉતરી ગઈ હતી. આ મામલે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ દિનેશભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.






































