મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી તાલુકાના ચાડિયા ગામે નવસર્જન પામનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું ભૂમિપૂજન કર્યું હતું. અમરેલીના આશરે ૨૫ ચાડિયા ગામે માતૃભૂમિ વંદના મહોત્સવમાં સહભાગી થતા જનભાગીદારીથી નિર્મિત થનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું શીલા પૂજન સાથે ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ – ચાડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, અમરેલી જિલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, અમરેલી જિલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓએ ચરિતાર્થ કર્યું છે કે સેવા કરવા માટે સત્તાની આવશ્યકતા નથી. સામાન્ય નાગરિકથી લઇ કોઇપણ સંસ્થાઓ પોતાના સેવા કાર્યો થકી રાષ્ટ્રની સેવા કરી શકે છે. સ્વભાવ અને સંસ્કાર સાથે સ્વચ્છતા વણાઈ જાય ત્યારે સેવા ભાવ દીપી ઊઠે છે. મુખ્યમંત્રીએ પાણીને ખૂબ સાચવી અને કાળજીપૂર્વક વાપરવાના સંદેશને યાદ કરીને પાણીની બુંદ-બુંદને બચાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્‌વાનને અમરેલી જિલ્લાએ ખૂબ સુપેરે ઝીલ્યું અને અમરેલી જિલ્લામાં ૯૯ જેટલા સરોવરનું નિર્માણ થયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, ‘સ્વચ્છતા જાળવવી, વીજળી, પાણી અને પેટ્રોલ સહિતના સંસાધનોની બચત ઉપરાંત વૃક્ષારોપણ કરવું તે પણ દેશ સેવા છે.’ આ સાથે મુખ્યમંત્રીએ અવિરતપણે જનકલ્યાણના કાર્યો કરતા રહેવા માટે આહ્‌વાન કર્યું હતું. મુખ્યમંત્રીના આગમનને ચાડિયાના ગ્રામજનોએ પરંપરાગત રીતે ઢોલ-નગારા સાથે ઉત્સાહભેર વધાવી ધામધૂમથી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ ચાડિયાના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીફળ વધેરી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જે.વી.કાકડિયા, જનકભાઈ તળાવીયા, કંચનબેન રાદડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, તરવડાના કૃષ્ણપ્રિય સ્વામીજી, પ્રીતમલાલજી મહારાજ, શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ ગઢીયા, ટ્રસ્ટીઓ ધીરુભાઈ ભંડેરી, ધનસુખભાઈ ભંડેરી, અશ્વિનભાઈ પેથાણી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.