અમરેલી જિલ્લાના ચાંપાથળ ગામથી સાવરકુંડલાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલો પુલ અત્યંત જોખમી બન્યો છે. આ પુલ પર ત્રણથી ચાર જગ્યાએ મોટા ભૂવા પડ્‌યા છે, જેની ઊંડાઈ ઘૂંટણથી કમર સુધીની હોવાથી વાહનચાલકોને ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ પુલનો રોજિંદો ઉપયોગ થતો હોવાથી નાની-મોટી દુર્ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. સ્થાનિકોના મતે, અત્યાર સુધીમાં ત્રણથી ચાર અકસ્માતો બન્યા છે જેમાં વાહનોને નુકસાન થયું છે અને કેટલીકવાર જીવલેણ પરિસ્થિતિ પણ સર્જાઈ છે. ચાંપાથળ ગામના લોકોએ તંત્રને તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરી છે. કારણ કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો મોટા અકસ્માતો થવાની શક્યતા છે. સ્થાનિક પ્રજાજનો દ્વારા તંત્રના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લેશે અને જવાબદારીપૂર્વક કાર્યવાહી હાથ ધરશે? નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.