“સાઈકલ મારી સરરર જાય… ટ્રીન ટ્રીન ટોકરી બજાવતી જાય..” પ્રાથમિક સ્કૂલમાં આ ગીત અમે પહેલા ગાયેલું અને સાયકલ પછી શીખેલા. સાતમા ધોરણમાં મારા આઈએ મને હરક્યુલીસ સાયકલ લઈ દીધેલી ત્યારે મારી અંદર હોય તેના કરતાં પણ વધારે બળ આવી ગયું હોય એવો મને અહેસાસ થયેલો. જોકે હરક્યુલીસને એ વખતે હું ઓળખતો નહોતો પણ હરકયુલીસને ઓળખતા થયા પછી એટલી તો ખબર પડી કે કોઈ કંપની સાયકલ માટે નામ શા માટે રાખે છે. જોકે જેના નામ પર સાયકલ ચાલે છે એવા હરક્યુલીસે પોતાના પરાક્રમો સાયકલ વગર જ કરેલા અને અમે હરક્યુલીસ નહીં હોવા છતાં અમારા અનેક પરાક્રમો હરક્યુલીસ સાયકલ ઉપર કરેલા. સાયકલની એક દુનિયા જ અલગ છે. મોટા થયા પછી સાયકલ છોડીને હું બાઈક ઉપર આવ્યો અને એક સમય એવો આવ્યો કે સાયકલ ચલાવવાનું પણ ભૂલી ગયો. સાયકલ ચલાવવાનું સાવ છૂટી ગયા પછી ધીમે ધીમે મને સાયકલનું મહત્વ સમજાવા લાગ્યું. જો તમે પણ મોટા થઈને સાયકલ ચલાવવાનું છોડી દીધું હોય તો તમે પણ મારી જેમ ખોટા રસ્તે છો.
સાયકલ એક સસ્ટેનેબલ, સ્વસ્થ અને પર્યાવરણ-મિત્ર વાહન છે, જેના ઉપયોગથી પ્રદૂષણ ઘટાડી શકાય છે અને લોકોનું આરોગ્ય સુધારી શકાય છે. સાયકલનો ઇતિહાસ ૧૯મી સદીનો છે. પહેલી વ્યવહારુ સાયકલ ૧૮૧૭માં જર્મન શોધક કાર્લ ફોન ડ્રેઇસ દ્વારા બનાવવામાં આવી હતી, જેને “ડ્રેઇસીન” કહેવામાં આવતી. આ સાયકલમાં પેડલ નહોતા, ચલાવવા માટે પગથી જમીન પર ધક્કો લગાવવો પડતો. ત્યાર બાદ ૧૮૬૦-૭૦માં ફ્રેન્ચ શોધકો પિયર મિચાક્સ અને પિયર લાલમેન્ટ દ્વારા પેડલચાલિત સાયકલની શોધ થઈ. પછી ૧૮૮૫માં જોહ્ન કેમ્પ સ્ટાર્લી દ્વારા “રોવર સેફ્ટી બાઇસિકલ” બનાવવામાં આવી, જે આધુનિક સાયકલનું પ્રથમ મોડેલ હતું.
સાયકલ એ ટકાઉ, સસ્ટેનેબલ અને આરોગ્યપ્રદ પરિવહનનું સાધન છે. તેનું મહત્વ જોઈએ તો તે
એક પર્યાવરણ મિત્ર છે જે કાર્બન ઉત્સર્જન શૂન્ય છે.
સસ્તું પરિવહન છે જેમાં ઇંધણની જરૂર નથી.
ટ્રાફિક ઘટાડે છે રસ્તા પર ગાડીઓ ઓછી થાય છે.
સૌથી મોટો ફાયદો કે આરોગ્ય માટે લાભકારક છે, જે હૃદય, સ્નાયુઓ અને સાંધાને મજબૂત બનાવે છે.
સાયકલ ચલાવવાથી હૃદય સ્વાસ્થ્ય રહે છે, રક્ત પરિભ્રમણ સુધરે છે, હાર્ટ અટેકનું જોખમ ઘટે છે. વજનમાં ઘટાડો થાય છે, કલાક સાયકલ ચલાવવાથી ૪૦૦-૬૦૦ કેલરી બળી શકે છે. સ્નાયુઓ મજબૂત બને છે, પગ અને કમરની માંસપેશીઓ મજબૂત બને છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. માનસિક તણાવમાં ઘટાડો કરી એન્ડોર્ફિન્સ (સુખાકારી હોર્મોન) ની
વૃદ્ધિ થાય. શરીરમાં આૅક્સિજન પ્રવાહ વધે છે.
પર્યાવરણીય ફાયદાઓ પણ છે. વાયુ પ્રદૂષણ ઘટાડે છે. શબ્દ પ્રદૂષણ ઘટે છે, કેમકે સાયકલ શાંત હોય છે.
સાયકલ એ સ્વસ્થ જીવનશૈલી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું પ્રતીક છે. વિશ્વ સાયકલ દિવસે આપણે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી, આરોગ્ય અને પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. “સાયકલ ચલાવો, સ્વસ્થ રહો,
પૃથ્વી બચાવો!” એ સાયકલ પ્રેમીઓનું સૂત્ર છે.
ગોવિંદા અભિનીત “ભાભી” ફિલ્મનું એક ગીત છેઃ “ચાંદી કી સાઇકલ સોને કી સીટ, આઓ ચલે ડાર્લિંગ, ચલે ડબલ સીટ…” એક જમાનામાં મેં મારા અનેક ભાઈ-ભાભીઓને સાયકલ ઉપર ડબલ સવારી થઈને હોંશે હોંશે જતા જોયેલા છે. આજે એવા દ્રશ્યો માત્ર સ્મૃતિપટ ઉપર જ છે એનું દુઃખ છે.